
રાહુલ ગાંધી આજે જ રાયબરેલી બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાના છે. આ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે રાયબરેલી બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરી છે. આ અગાઉ એવી અટકળો હતી કે પ્રિયંકા ગાંધી આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સવારે 10.20 કલાકે વિશેષ વિમાન દ્વારા ફુરસતગંજ એરપોર્ટ પહોંચશે અને એરપોર્ટથી રોડ થઈને ભૂમઉ ગેસ્ટ હાઉસ પહોંચશે.
રાહુલ ગાંધી રાયબરેલીમાં બપોરે 12.15 કલાકે ઉમેદવારી પત્ર ભરશે.આ સમયે તેમની સાથે પ્રિયંકા ગાંધી સહિત પક્ષના અનેક નેતાઓ ઉપસ્થિત રહેશે.
બંને બેઠકો પર 20 મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન
કોંગ્રેસ પાર્ટીએ આખરે બે મહત્વની બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ વખતે રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડશે. રાહુલ ગાંધીના નજીકના ગણાતા કિશોરી લાલ શર્માને અમેઠીથી ટિકિટ આપવામાં આવી છે. આ બંને બેઠકો પર 20 મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન થવાનું છે. રાહુલ ગાંધી સામે ભાજપના દિનેશ સિંહ મેદાનમાં છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
અમેઠી અને રાયબરેલીને ગાંધી પરિવારની પરંપરાગત બેઠક
આ અંગેની જાહેરાત કોંગ્રેસે સોશિયલ મીડિયા પર કરી હતી. 3 મેના રોજ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. જ્યારે આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી બેઠકો પરથી ઉમેદવારોની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં સૂત્રોએ જણાવ્યું હતું કે નોમિનેશન સમયે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે હાજર રહેશે. અમેઠી અને રાયબરેલીને ગાંધી પરિવારની પરંપરાગત બેઠક માનવામાં આવે છે.