રાયબરેલીમાં રાહુલ ગાંધી અને રાજ્ય સરકારના પ્રધાન વચ્ચે તૂ-તૂ મેં-મેં; જાણો શું છે મામલો

રાયબરેલી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બુધવારે તેના મતવિસ્તાર રાયબરેલીના પ્રવાસે પહોંચ્યા હતાં, આ દરમિયાન તેમણે કેટલીક બેઠકો યોજી હતી. “દિશા” બેઠકમાં ઉત્તર પ્રદેશ સરકારના પ્રધાન અને વિધાન પરિષદના સભ્ય દિનેશ પ્રતાપ સિંહે પણ હાજરી આપી હતી. બેઠક દરમિયાન રાહુલ ગાંધી અને દિનેશ પ્રતાપ સિંહ વચ્ચે ઉગ્ર બોલચાલ થઇ હતી. દિનેશ પ્રતાપ સિંહે આ અંગે સ્પષ્ટતા કરી છે.
દિનેશ પ્રતાપ સિંહે સ્પષ્ટતા કરતા કહ્યું, “રાહુલ ગાંધી દિશા બેઠક માટે નક્કી કરાયેલા મુદ્દાથી અલગ જ મુદ્દાઓ પર ચર્ચા કરવા ઈચ્છતા હતાં. મેં તેમને કહ્યું તમે દિશાના નિયમો હેઠળ જ બેઠક કરી શકો છો. રાહુલ દિશાના સુપરવાઇઝર છે, જો કોઈ તેના માલિક બનવાનો પ્રયાસ કરે એ યોગ્ય નથી.”
દિનેશ પ્રતાપ સિંહે કહ્યું, “રાહુલ કહી રહ્યા હતા કે તેઓ દિશાના પ્રમુખ છે, મેં કહ્યું હતું કે જો તમે હદમાં છો તો પ્રમુખ છો, તેની બહાર નહીં. મેં કહ્યું હતું કે હું આ પ્લેટફોર્મનો ઉપયોગ રાજકારણ માટે નહીં થવા દઉં. હું દિશાના 43 કાર્યક્રમોની બહાર કોઈ મીટિંગ નહીં થવા દઉં.”
હવે રાહુલ ગાંધી રાઈબરેલી આવશે ત્યારે…
દિનેશ પ્રતાપ સિંહની પોલીસ અધિકારીઓ સાથે પણ ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું, “રાહુલ ગાંધીની મુલાકાત માટે પહેલીવાર રસ્તા પરથી ફેરિયાઓને હટાવવામાં આવ્યા હતા. 70 કિલોમીટરનું ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, મેં તેની સામે વિરોધ નોંધાવ્યો છે. આગલી વખતે જ્યારે રાહુલ ગાંધી રાઈબરેલી આવશે ત્યારે રસ્તા પરના કોઈ પણ ફેરીયાઓ સાથે આવું નહીં થાય.”
આપણ વાંચો: બિહારમાં ભાજપનો મોટો આરોપ, કહ્યું કોંગ્રેસે પીએમ મોદીના માતાનું અપમાન કર્યું