રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજયનો દરજ્જો આપવા સંસદમાં બિલ લાવવાની માંગ કરી | મુંબઈ સમાચાર
નેશનલ

રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજયનો દરજ્જો આપવા સંસદમાં બિલ લાવવાની માંગ કરી

નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઇના રોજથી શરૂ થઇ રહ્યું છે. આ પૂર્વે જ કોંગ્રેસે જમ્મુ કાશ્મીર મુદ્દે મોદી સરકારને ઘેરવાની તૈયારીઓ શરૂ કરી છે. જેમાં કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્ર્ધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સંસદના ચોમાસુ સત્રમાં જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજયનો દરજ્જો આપવા બિલ લાવવાની માંગ કરી છે. તેમજ સરકાર કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિ અંતર્ગત સામેલ કરવા માટે પણ વિધેયક લાવવાની માંગ કરી છે.

પૂર્ણ રાજ્યના દરજ્જાને પુન: સ્થાપિત કરવાની માંગ

રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું છે કે , જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજયનો દરજ્જો આપવાની માંગ સંપૂર્ણપણે બંધારણીય અને યોગ્ય છે અને તે લોકતાંત્રિક અધિકારો પર આધાર રાખે છે. તેમણે આગળ લખ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષમાં જમ્મુ કાશ્મીરના લોકોએ પૂર્ણ રાજ્યના દરજ્જાને પુન: સ્થાપિત કરવાની માંગ કરી છે. આ ઉપરાંત ભૂતકાળમાં એવા અનેક ઉદાહરણો છે જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશોને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ પ્રથમ વાર થયું છે જયારે કોઈ રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હોય

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઇના રોજથી શરૂ થશે

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઇના રોજથી શરૂ થઇ રહ્યું છે. ચોમાસુ સત્ર દરમિયાન કુલ 16 બિલ પસાર થવાના છે. જેમાં લોકસભા અને રાજ્યસભામાં ત્રણ-ત્રણ બિલનો સમાવેશ થાય છે. આમાંથી ત્રણ બિલ લોકસભા દ્વારા પસાર થયા છે અને રાજ્યસભામાં પેન્ડિંગ છે, જ્યારે ત્રણ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા છે અને લોકસભામાં જ પેન્ડિંગ છે. આ બિલોમાં મર્ચન્ટ શિપિંગ બિલ, ઇન્ડિયન પોર્ટ્સ બિલ 2025, કોસ્ટલ શિપિંગ બિલ 2025 અને બિલ ઓફ લેડીંગ બિલ 2025નો સમાવેશ થાય છે.

સરકાર નવા આઠ બિલ રજૂ કરશે

ચોમાસુ સત્રમાં સરકાર નવા આઠ બિલ લાવવાની તૈયારીમાં છે.આ આઠ બિલમાં રાષ્ટ્રીય રમતગમત શાસન બિલ અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સુધારા બિલ રજૂ કરવામાં આવશે. આ બિલથી રમતગમત સંગઠનોમાં સુશાસન લાવવા અને વિવાદોના ઉકેલ માટે એક પદ્ધતિ બનાવવાની જોગવાઈ કરવામાં આવશે. આ ઉપરાંત ખાણ અને ખનીજ સુધારા બિલ, ભૂ-હેરિટેજ સાઇટ્સ અને ભૂસ્તરશાસ્ત્રીય જાળવણી અને જાળવણી બિલ, આઈએમએમ સુધારા બિલ પણ રજૂ કરવામાં આવી રહ્યા છે. સાથોસાથ મણિપુર જીએસટી સુધારા બિલ, કરવેરા સુધારા બિલ અને જાહેર ટ્રસ્ટ સુધારા બિલ પણ રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો…ભારતીય સેના માનહાનિ કેસ: રાહુલ ગાંધીને લખનઉ કોર્ટમાંથી જામીન મળ્યા

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button