રાહુલ ગાંધીનો સરકાર પર આકરા પ્રહાર: ‘ટ્રમ્પ સાચા છે, ભારતીય અર્થવ્યવસ્થા મરી પરવારી છે’

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત પર અન્ય દેશો કરતા સૌથી વધારે ટેરિફ લાદ્યો છે. જેને લઈને સમગ્ર દેશમાં ચર્ચાઓ શરૂ થઈ છે. ટેરિફ લાદ્યા બાદ ડૉનાલ્ડ ટ્રમ્પે એક પોસ્ટ પણ કરી હતી. જેને વિવાદનું કારણ બની છે. સાથોસાથ ભારતમાં વિપક્ષને સરકાર સામે પ્રશ્ન કરવાનો મોકો મળી ગયો છે. ડૉનાલ્ડ ટ્રમ્પની વિવાદાસ્પદ પોસ્ટને લઈને રાહુલ ગાંધીએ સરકાર પર આક્ષેપો કર્યા છે.
ભારત-રશિયા શું કરે છે? મને ફર્ક પડતો નથી
રશિયા સાથેના વેપારને પણ ભારત પર 25 ટકા ટેરિફ લાદવાનું કારણ બતાવાઈ રહ્યું છે. જેને અનુસંધાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બંને દેશોની ટીકા કરતા લખ્યું હતું કે, “મને એ વાતની ચિંતા નથી કે ભારત રશિયા સાથે શું કરે છે. તે પોતાની મૃત અર્થવ્યવસ્થાઓને સાથે મળીને સમાપ્ત કરી રહ્યા છે. મને એનાથી કોઈ ફર્ક પડતો નથી. અમે ભારત સાથે બહું ઓછો વેપાર કર્યો છે, તેનો ટેરિફ ઘણો વધારે છે, દુનિયામાં સૌથી વધારે છે.”
અમેરિકાના રાષ્ટ્રપતિ ફેક્ટ સામે લાવ્યા
ડૉનાલ્ડ ટ્રમ્પની આ પોસ્ટનું સમર્થન કરતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, “હા, તે સાચા છે. વડા પ્રધાન અને નાણા પ્રધાનને બાદ કરતા દરેક જણ આ જાણે છે. દરેક જણ જાણે છે કે, ભારતીય અર્થવ્યવસ્થા એક મૃત અર્થવ્યવસ્થા છે. મને એ વાતનો આનંદ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફેક્ટ સામે લાવીને મૂક્યા.સમગ્ર વિશ્વ જાણે છે કે,ભારતીય અર્થવ્યવસ્થા એક મૃત અર્થવ્યવસ્થા છે. ભાજપ એ અદાણીની મદદ માટે અર્થવ્યવસ્થાને સમાપ્ત કરી નાખી છે.”
પીએમ મોદીએ યુવાનોનું ભવિષ્ય ઉજાડી નાખ્યું
આ સિવાય રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “ભારતની અર્થવ્યવસ્થા મરી પરવારી છે. પીએમ મોદીએ તેને અદાણી-મોદી ભાગીદારી, નોટબંધી, ખામીપૂર્ણ જીએસટી, અસફળ એસેમ્બલ ઇન ઈન્ડિયા, એમએસએમઈનો ખાત્મો અને ખેડૂતોને પાયમાલ કરીને તેને સમાપ્ત કરી છે. મોદીએ ભારતના યુવાનોનું ભવિષ્ય ઉજાડી નાખ્યું છે, કારણ કે તેમની પાસે નોકરી નથી.”
અમેરિકાએ ભારત સાથે કર્યો વેપાર
ઉલ્લેખનીય છે કે, હવે અમેરિકાએ પાકિસ્તાન સાથે પણ વેપાર વધાર્યો છે. આ અંગે ડૉનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “અમે પાકિસ્તાન સાથે એક ડીલ કરી છે. આ ડીલ હેઠળ અમેરિકા અને પાકિસ્તાન પોતાના વિશાળ તેલ ભંડારના વિકાસ માટે સાથે મળીને કામ કરશે. અમે એવી ઓઈલ કંપનીની પસંદગી કરી રહ્યા છીએ, જે આ ભાગીદારીનું નેતૃત્ત્વ કરે. શું ખબર, એક દિવસ પાકિસ્તાન ભારતને પણ તેલ વેચે.”
આ પણ વાંચો…ભારત પર અમેરિકાએ 25 ટકા ટેરિફ લગાવ્યો, જાણો ક્યારથી લાગુ પડશે?