રાહુલ ગાંધીએ સંસદમાં સુરક્ષા ચૂક માટે બેરોજગારીને જવાબદાર ગણાવી
નવી દિલ્હીઃ સંસદની સુરક્ષા ભંગનું પ્રકરણ પૂરું થઈ ગયું, પણ આ મુદ્દે શરૂ થયેલું રાજકારણ ખતમ થવાનું નામ નથી લઇ રહ્યું. સંસદ સુરક્ષા ભંગના મુદ્દે રાજકારણ પણ તેજ બન્યું છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીએ તેમના પર પ્રહારો કર્યા છે. ઉપરાંત તેમની પાર્ટી કોંગ્રેસ અને અન્ય વિપક્ષી સહયોગીઓના નેતાઓ પણ તેમના નિવેદનને યોગ્ય ઠેરવવા બચાવમાં આવી ગયા છે. ભાજપ અને વિપક્ષના નેતાઓની સતત પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
રાહુલ ગાંધીએ શનિવારે જણાવ્યું હતું કે ‘સંસદની સુરક્ષામાં ક્ષતિ રહી છે, પરંતુ આવું કેમ થયું? દેશમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે અને આખો દેશ બેરોજગારીના દાવાનળથી ઉકળી રહ્યો છે.’ તેમણે એમ પણ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓને કારણે યુવાનોને રોજગારી મળી રહી નથી. સુરક્ષાની ખામીનું કારણ બેરોજગારી અને મોંઘવારી છે. તેમના નિવેદન બાદ રાજકારણ વધુ ગરમાયું છે.
તેમના આ નિવેદન બાદ સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધી એક ગંભીર નેતા નથી. તેમના નિવેદનને ગંભીરતાથી ના લેવું જોઇએ. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીને સમજાવવું જોઈએ. સુરક્ષામાં ખામી અંગે ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે.
કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે તેઓ એવા યુવા નેતા છે જે આવી ઘણી વાતો કહે છે. સંસદમાં તેમની પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા લોકો ગૃહમાં કૂદ્યા હતા. હવે તેનું કારણ બેરોજગારી ગણાવવામાં આવી રહ્યું છે. તે આવા નિવેદનો કરે છે અને લોકો હસે છે.
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કોંગ્રેસના નેતાના નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીને ન તો કોઈ સમજ છે અને ન તો તેઓ કંઈ સમજવા માંગે છે. રાહુલ ગાંધીએ વિચારવું જોઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અનેક યોજનાઓને કારણે આ દેશમાંથી ગરીબી અને બેરોજગારી દૂર થઈ રહી છે અને યુવાનોને રોજગારી મળી રહી છે. આ વાત સાબિત થઈ ગઈ છે અને દેશ અને દુનિયા જોઈ રહી છે કે રાહુલ ગાંધીને ક્યારે શું બોલવું એની કંઇ સમજ જ નથી.
બીજેપી નેતા અમિત માલવિયાએ રાહુલ ગાંધીના નિવેદનનો જવાબ આપતા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘રાહુલ ગાંધી ક્યારેય નિરાશ થતા નથી, તેઓ હંમેશા વાહિયાત વાતો કરે છે. રેકોર્ડ માટે, ભારતમાં બેરોજગારી 3.2 ટકા છે, જે 6 વર્ષમાં સૌથી ઓછી છે.
જોકે, શિવસેના (UBT)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે રાહુલ ગાંધીના નિવેદનનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ સાચા છે. આ દેશમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે.