સંસદમાં યુવાનો ઘૂસ્યા ત્યારે ભાજપના સાંસદોની હવા નીકળી ગઇ હતી: રાહુલ ગાંધી
નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર તો સમાપ્ત થઇ ગયું છે, પરંતુ સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે વિપક્ષ સતત દેખાવો કરી રહ્યા છે. વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. રાજધાની દિલ્હી પણ એમાં બાકાત નથી રહ્યું. જંતરમંતર પર તમામ વિપક્ષી નેતાઓએ એકત્ર થઇને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા નિવેદન આપ્યું હતું કે આજે દેશમાં બોલવાની આઝાદી ઓછી થઇ રહી છે અને યુવાનો બેરોજગાર થતા જઇ રહ્યા છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સંબોધન કરતા કહ્યું હતું કે જો સુરક્ષામાં ચૂક થઇ તો એ પણ વિચારવું જોઇએ કે સુરક્ષાભંગ કરનારા એ યુવાનોને શા માટે એવું કરવું પડ્યું? તેનું કારણ છે બેરોજગારી, આજે દેશના યુવાનોને રોજગારી નથી મળી રહી. મેં કોઇને કહ્યું કે એક કામ કરો, નાનકડો સરવે કરો, કોઇ પણ શહેરમાં જઇને યુવાનોને પૂછો કે તેઓ મોબાઇલમાં કેટલો સમય વિતાવે છે. મેં એક નાના શહેરમાં સરવે કરાવ્યો તો મને એ જાણીને આશ્ચર્ય થયું કે યુવાનો અંદાજે સાડા સાત કલાક સોશિયલ મીડિયા પર વિતાવે છે. એટલે કે મોદી સરકારમાં યુવાનો રોજગારના અભાવે ઇન્ટરનેટ પર પોતાનો સમય વેડફી રહ્યા છે. સંસદમાં જે થયું એ આ જ કારણોને લીધે થયું, કેમ કે સુરક્ષામાં ખલેલ પાડનાર યુવાનો બેરોજગાર હતા, રાહુલે ઉમેર્યું.
આગળ પોતાના ભાષણમાં રાહુલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે અમુક દિવસો પહેલા સંસદ ભવનમાં 2-3 યુવાનો કૂદીને અંદર આવી ગયા, તેમણે ધુમાડો છોડ્યો, અશાંતિ ફેલાવી, આપણે સૌએ તે જોયું. જે લોકો પોતાને દેશભક્ત ગણાવે છે તેમની હવા નીકળી ગઇ હતી, ભાજપના તમામ સાંસદ ભાગી ગયા હતા.
તેઓ અંદર આવ્યા કઇ રીતે? આવું તેમને કરવાની જરૂર કેમ પડી? બેરોજગારી! આ દેશના યુવાનોને આજે રોજગારી નથી મળી રહી. જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાનને પૂછ્યું કે આવું કેમ થયું તો તેમણે સાંસદોને બહાર કાઢી મુક્યા.
રાહુલે આગળ જણાવ્યું હતું કે દરેક સાંસદ લાખો વોટ લઇને આવે છે. તમે ફક્ત સાંસદોનું જ અપમાન નથી કર્યું પરંતુ હિંદુસ્તાનની 60 ટકા જનતાનું મોં બંધ કર્યું છે. તમને એમ થાય છે કે આવું કરવાથી જનતામાં ડર ફેલાશે. તમે અગ્નિવીર યોજના લાવ્યા અને વિરોધ કરનારા યુવાનોને કહ્યું કે જે વિરોધ કરશે તેમને નોકરી નહી મળે.”
અંતમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમે સૌ વિપક્ષના નેતા અને કાર્યકર્તા એકસાથે ઉભા છીએ, સત્તાપક્ષ જેટલો ડર ફેલાવશે, એટલું જ INDIA ગઠબંધન એકતા અને ભાઇચારો ફેલાવશે.