Adiwasi beltમાં ફરી કૉંગ્રેસને ઊભી કરી શકશે Rahul Gandhi?
અમદાવાદઃ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર એમ ત્રણ રાજ્યમાં બીજી માર્ચથી શરૂ થશે. પશ્ચિમ રાજ્યોમાં કાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં કૉંગ્રેસ માટે લોકસભાની બેઠકો મેળવવી ખૂબ અઘરી છે. મહારાષ્ટ્રમાં હજુ થોડી રાહત લોકોને કૉંગ્રેસને આપે તેવી સંભાવના છે.
ગુજરાતમાં 26 બેઠક પર દસ વર્ષથી ભાજપના ઉમેદવારોનો વિજય થઈ રહ્યો છે અને ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ કૉંગ્રેસે જનતાનો જાકારો સહન કરવો પડ્યો હતો. આ સાથે કૉંગ્રેસ માટે મોટો ઝટકો એ પણ હતો કે દક્ષિણ ગુજરાતની આદિવાસી બેઠકો પણ ભાજપને મળી હતી.
આનું કારણ કૉંગ્રેસની આંતરિક નીતિ પણ હોઈ શકે, પરંતુ આદિવાસી વિસ્તારમાં દસકાઓથી એક હથ્થુ રાજ કરતી કૉંગ્રેસ આ રીતે હારનો સામનો કરશે તેવું કોઈએ ધાર્યું ન હતું. શહેરી વિસ્તારમાં જનતા સાથે કનેક્શન ગુમાવી ચૂકેલી કૉંગ્રેસ ગ્રામ્ય અને આદિનવાસી વિસ્તારોમાં પણ નબળી પડી રહી છે ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાંથી જ પસાર થવાની છે.
પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા જયરામ રમેશે યાત્રાની આપેલી વિગતો અનુસાર ભારત જોડો ન્યાય યાત્રા 2 માર્ચે રાજસ્થાનના ધોલપુરથી બપોરે 2 વાગ્યે ફરી શરૂ થશે. આ યાત્રા 2જીએ બપોરે 3 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશ પહોંચશે અને 6મી માર્ચ સુધી ત્યાં રહેશે. આ સમયગાળા દરમિયાન યાત્રા મુરેના, ગ્વાલિયર, ગુના, મંદસૌર, શિવપુરી, રાજગઢ, ઈન્દોર, શાજાપુર, ઉજ્જૈન, ધાર અને રતલામ જિલ્લાઓને આવરી લેશે. આ યાત્રા ગુજરાતમાં પ્રવેશતા પહેલા બાંસવાડામાં જાહેર સભા માટે 7મીએ રાજસ્થાન પરત ફરશે. ગુજરાતમાં આ યાત્રા દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી જિલ્લાઓને આવરી લેશે. આ યાત્રા 10 માર્ચે મહારાષ્ટ્ર પહોંચશે અને રાજ્યમાં તેના પ્રથમ દિવસે નંદુરબાર અને ધુલે જિલ્લામાંથી પસાર થશે.
લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે દરેક પક્ષ પોતાના ગઢ સાચવવા મથતા હોય છે. કૉંગ્રેસે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે અને તેમને ભરૂચ અને ભાવનગર એમ બે બેઠકો આપી છે. આ ઉપરાંત અન્ય 24 બેઠક પર કૉંગ્રેસ લડશે. તાપી, પંચમહાલ, સુરત જિલ્લામાં રાહુલ ગાંધીની યાત્રા પસાર થશે ત્યારે લોકસભામાં આ વિસ્તારોની બેઠકો પર કૉંગ્રેસને ફાયદો થશે કે કેમ તે જોવાનું છે. અગાઉ વિધાનસભાની ચૂંટણી વખતે રાહુલે અહીં સભા પણ લીધી હતી, પરંતુ અહીં લોકોના મત મેળવી શકાયા ન હતા.