Bharat Jodo Nyay Yatra: યાત્રાને ગુવાહાટીમાં પ્રવેશતા અટકાવવામાં આવી, પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઘર્ષણ
ગુવાહાટી: મણિપુરથી નીકળેલી કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ આસામ પહોંચ્યા છે. આસામની હેમંત સરમા સરકારે કોંગ્રેસની આ યાત્રા અટકાવવાનો પ્રયાસ કરી રહી છે, આજે યાત્રાને ગુવાહાટીના મુખ્ય માર્ગો પરથી પસાર થવા દેવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે પ્રવેશ માર્ગો પર બેરિકેડ લગાવી દીધા હતા, યાત્રામાં સામેલ કોંગ્રેસ કાર્યકર્તાઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ રાજ્યની પોલીસને રાહુલ ગાંધી સામે ‘ભીડને ઉશ્કેરવા’ બદલ કેસ દાખલ કરવા જણાવ્યું છે. રાહુલ ગાંધી ગુવાહાટીમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાના છે. કોંગ્રેસ નેતા ગાંધીએ કહ્યું છે કે તેમને વિદ્યાર્થીઓ સાથે વાત કરતા રોકવામાં આવી રહ્યા છે.
મેઘાલયમાં પગપાળા યાત્રા કર્યા બાદ, આ યાત્રા આજે આસામમાં ફરી પ્રવેશી રહી છે. આસામના મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી વચ્ચે રાજ્ય સરકારે યાત્રાને મંજૂરી ન આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે આસામના મુખ્ય પ્રધાન ભારત જોડો ન્યાય યાત્રામાં અવરોધો ઉભા કરી રહ્યા છે.
શહેર પ્રસાશને કહ્યું છે કે વર્કિંગ ડે હોવાથી યાત્રાને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થવા દેવાથી ટ્રાફિક જામ થઈ શકે છે. રાજ્ય પ્રશાસને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર રેલી કાઢવાનું કહ્યું છે, જે શહેરની ફરતે રિંગ રોડ તરીકે કામ કરે છે.
આ પહેલા સોમવારે રાહુલ ગાંધીએ 15મી સદીના સમાજ સુધારક વૈષ્ણવ સંત શ્રીમંત સંકરદેવના જન્મસ્થળની મુલાકાત લેવાની વાત કરી હતી.
રાહુલની જાહેરાત પછી તરત જ, સરમાએ તેમને અભિષેક સમારોહ પહેલા અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત ન લેવાની અપીલ કરી. મંદિરની પ્રબંધન સમિતિએ એમ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધીને બપોરે 3 વાગ્યા પહેલા પ્રવેશ આપવામાં આવશે નહીં. રાહુલ ગાંધી અને તેમના સાથીદારોને મંદિર તરફ જતા અટકાવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ રોડ જામના સ્થળ પર બેસી ગયા હતા. 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થયેલી યાત્રા 20 અથવા 21 માર્ચે મુંબઈમાં પૂરી થશે.