Bharat Jodo Nyay Yatra: ‘આસામ સરકાર લોકોને યાત્રામાં ભાગ લેવા રોકી રહી છે…’, રાહુલ ગાંધીએ લગાવ્યો મોટો આરોપ
નવી દિલ્હીઃ કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે આઠમો દિવસ છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા આજે અરુણાચલ પ્રદેશના રાજગઢ-હોલોંગી વિસ્તારમાંથી શરૂ થઈ હતી. આ વિસ્તાર અરુણાચલ પ્રદેશ અને આસામની સરહદ પર આવેલો છે. અહીંથી યાત્રા ફરી આસામમાં પ્રવેશ કરશે.
આ દરમિયાન રાહુલે આસામ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપની આગેવાની હેઠળની સરકાર લોકોને ન્યાય યાત્રામાં જોડાવા પર ધમકાવી રહી છે. સરકાર યાત્રાના માર્ગો પર કાર્યક્રમોને મંજૂરી આપવાનો પણ ઇનકાર કરી રહી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ ધમકીઓ આપે છે, પરંતુ લોકો તેનાથી ડરતા નથી. તેમણે દાવો કર્યો હતો કે પાર્ટી આગામી ચૂંટણીમાં ભાજપ સામે જંગી માર્જિનથી જીતશે.
તેમણે કહ્યું, ‘અમે યાત્રા દરમિયાન લાંબુ ભાષણ નથી આપતા. અમે દરરોજ સાત-આઠ કલાક મુસાફરી કરીએ છીએ, તમારા મુદ્દાઓ સાંભળીએ છીએ અને અમારો ઉદ્દેશ્ય આ મુદ્દાઓને ઉઠાવવાનો છે. તેઓ (સરકાર) માને છે કે તેઓ લોકોને દબાવી શકે છે. પરંતુ તેમને ખ્યાલ નથી કે આ રાહુલ ગાંધીની યાત્રા નથી. આ લોકોનો અવાજ ઉઠાવવાની આ યાત્રા છે.
તેમણે આરોપ લગાવ્યો કે લોકોને યાત્રામાં જોડાવા સામે ધમકી આપવામાં આવી રહી છે અને યાત્રાના રૂટ પર કાર્યક્રમોનું આયોજન કરવાની પરવાનગી આપવામાં નથી આવી રહી. રાજ્યમાં કોંગ્રેસના ઝંડા અને બેનરોને પણ નુકસાન કરવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું કે ન તો રાહુલ ગાંધી ડરે છે, ન તો આસામની જનતા. તમે જે ઈચ્છો તે કરી શકો છો. જ્યારે ચૂંટણી થશે ત્યારે કોંગ્રેસ ભાજપને જંગી માર્જિનથી હરાવશે. રાહુલ ગાંધીએ શર્માને દેશના સૌથી ભ્રષ્ટ મુખ્ય પ્રધાન ગણાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ તાજેતરમાં કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી પહેલા મારાથી ડરતા હતા, હવે તેઓ મારા બાળકથી પણ ડરવા લાગ્યા છે.’ જ્યારે આ અંગે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા માંગવામાં આવી તો તેમણે કહ્યું કે ‘તેઓ પોતે ડરી ગયા છે કારણ કે તેઓ મુખ્ય પ્રધાન ભ્રષ્ટ છે.’