'મારા જીજાજીને હેરાન કરવામાં આવી રહ્યા છે' EDની કર્યવાહી સામે રાહુલ ગાંધીએ વાડ્રાનું સમર્થન કર્યું | મુંબઈ સમાચાર
નેશનલ

‘મારા જીજાજીને હેરાન કરવામાં આવી રહ્યા છે’ EDની કર્યવાહી સામે રાહુલ ગાંધીએ વાડ્રાનું સમર્થન કર્યું

નવી દિલ્હી: ગુરુગ્રામમાં એક જમીનના સોદા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસ બાબતે એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ(ED)એ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ અને જાણીતા ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાને સામે ચાર્જશીટ દાખલ (ED charge sheet on Robert Vadra) કરી છે. તાજેતરમાં જ રોબર્ટ વાડ્રા દિલ્હીમાં EDની ઓફીસમાં પુછપરછ માટે હાજર થયા હતાં. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી તેમના જીજાજી રોબર્ટ વાડ્રાના બચાવમાં આવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે આ સરકાર છેલ્લા 10 વર્ષથી તેમને હેરાન કરી રહી છે.

રાહુલ ગાંધીએ X પર એક પોસ્ટ કરીને લખ્યું, “આ સરકાર છેલ્લા દસ વર્ષથી મારા જીજાજીને હેરાન કરી રહી છે. તાજેતરમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ એ એક ષડ્યંત્રનો ભાગ છે. હું રોબર્ટ, પ્રિયંકા અને તેમના બાળકો સાથે ઉભો છું કારણ કે તેઓ દુર્ભાવનાપૂર્ણ-રાજકીય રીતે પ્રેરિત બદનામી અને હેરાનગતિનો ભોગ બની રહ્યા છે. હું જાણું છું કે તેમનામાં કોઈપણ પ્રકારના જુલમનો સામનો કરવાની હિંમત છે અને તેઓ ગૌરવ સાથે અડગ રહેશે. આખરે સત્યનો વિજય થશે.”

રાહુલ ગાંધીની ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના ઘણા તેના રોબર્ટ વાડ્રાને સમર્થનમાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે વિવાદિત જમીન સોદામાં ગેરરીતિના કોઈ પુરાવા નથી. તેમણે કહ્યું, “સરકાર એ જણાવે કે જમીન ખરીદવી અને વેચવી ક્યારે ગેરકાયદેસર થઇ ગયું?”

ફેબ્રુઆરી 2008 માં ગુરુગ્રામના સેક્ટર 83 માં 3.53 એકર જમીનના સોદામાં કથિત ગેરરીતીના સંદર્ભમાં EDએ દાખલ કરેલી ચાર્જ શીટમાં વાડ્રા અને તેમની કંપની સ્કાય લાઇટ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડનું નામ છે. EDએ લગાવેલા આરોપ મુજબ આ જમીન સોદા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ સમયે સરકારમાં તેમની પહોંચને કારણે વાડ્રાને કમર્શિયલ લાઇસન્સ મળ્યું હતું.

આ પણ વાંચો…શિકોહપુર લેન્ડ ડીલ કેસ: EDની મોટી કાર્યવાહીઃ રોબર્ટ વાડ્રા સામે ચાર્જશીટ અને 43 સંપત્તિ જપ્ત…

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button