નેશનલ

Rahul Gandhi: ‘મોદીજી, નવી ગેરંટી આપતા પહેલાં, જૂની ગેરંટી યાદ કરો’ રાહુલ ગાંધીના વડાપ્રધાન મોદી પર પ્રહાર

આવનાર લોકસભા ચૂંટણી પહેલા ભાજપે ‘મોદીની ગેરંટી’ ટેગ લાઈન સાથે પ્રચાર અભિયાન શરુ કર્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગાઉ આપેલા વાયદાઓ યાદ કરાવતા આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ ‘ખેડૂતની આવક બમણી કરવા’ થી ‘કાળું નાણું પાછું લાવવા’ સુધીના વચનો યાદ કરાવ્યા હતા. તેમણે વડા પ્રધાન પર આરોપ લગાવ્યો કે તેઓ દર વર્ષે દેશના યુવાનોને 2 કરોડ નોકરીઓ આપવામાં નિષ્ફળ રહ્યા છે.

દિલ્હીની બોર્ડર પર પંજાબના ખેડૂતોના ઉગ્ર બની રહેલા આંદોલન દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને સવાલો પૂછ્યા હતા, ખેડૂતો હાલમાં સરકારના અપૂર્ણ વચનોની યાદ અપાવવા દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે, જેમાં લઘુત્તમ ટેકાના ભાવનો કાયદા મહત્વનો મુદ્દો છે.


રાહુલ ગાંધીએ તેમની X પોસ્ટમાં લખ્યું કે, “દર વર્ષે 2 કરોડ નોકરીઓની ગેરંટી- જુઠ્ઠાણું. ખેડૂતની આવક બમણી કરવાની ગેરંટી- જુઠ્ઠાણું. કાળું નાણું પાછું લાવવાની ગેરંટી- જુઠ્ઠાણું. મોંઘવારી ઘટાડવાની ગેરંટી- જુઠ્ઠાણું. દરેકના ખાતામાં ₹15 લાખની ગેરંટી- જુઠ્ઠાણું. મહિલાઓની સુરક્ષા અને ગૌરવની ગેરંટી- જુઠ્ઠાણું. 100 સ્માર્ટ સિટી બનાવવાની ગેરંટી- જુઠ્ઠાણું. રૂપિયાને મજબૂત કરવાની ગેરંટી- જુઠ્ઠાણું. ચીનને લાલ આંખ બતાવવાની ગેરંટી- જુઠ્ઠાણું, ન ખાવું કે કોઈને ખાવા ન દેવાની ગેરંટી- જુઠ્ઠાણું.”


તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી ખોટા સપનાના બાયોસ્કોપ સાથે ફરતા વડાપ્રધાન દેશમાં છેતરપિંડીનો ધંધો ચલાવી રહ્યા છે.


રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે”ભાજપ સરકારનો અર્થ જુઠ્ઠાણા અને અન્યાયની ગેરંટી છે, કોંગ્રેસ દેશના સપનાને ન્યાય આપશે.”


રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી પહેલા હાલ ભારત જોડો ન્યાય યાત્રા પર નીકળ્યા છે, હાલમાં ન્યાય યાત્રા બિહારમાં પહોંચી છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button