Video: પુતિનની મુલાકાત પહેલા રાહુલ ગાંધીએ સરકાર પર સાધ્યું નિશાન, દેશનું પ્રતિનિધિત્વ અમે કરીએ છીએ પણ…

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન આજથી બે દિવસના ભારતે પ્રવાસે આવી રહ્યા છે. તેમના બે દિવસના પ્રવાસ દરમિયાન અનેક કરાર થવાની શક્યતા છે. આ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, સરકાર વિપક્ષ સાથે વિદેશી પ્રતિનિધિઓની મુલાકાત થાય તેમ ઈચ્છતી નથી. વિપક્ષ પણ દેશનું પ્રતિનિધિત્વ કરે છે.
શું બોલ્યા રાહુલ ગાંધી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, જે પણ લોકો વિદેશથી આવે છે તેમની વિપક્ષના નેતા સાથે બેઠક થાય છે અને આ જ દેશની પરંપરા છે, પરંતુ આજકાલ વિદેશી પ્રતિનિધિ આવે ત્યારે વિપક્ષની તેમની સાથે મુલાકાત કરાવવામાં આવતી નથી. આ સરકારની નીતિ છે.
આ ઉપરાંત તેમણે કહ્યું, સંબંધ તો બધા સાથે હોય છે. અમે પણ દેશનું પ્રતિનિધિત્વ કરીએ છીએ, માત્ર સરકાર જ પ્રતિનિધિત્વ કરતી નથી. વિદેશી પ્રતિનિધિઓ સાથે વિપક્ષ મુલાકાત કરે તેમ સરકાર નથી ઈચ્છતી. વિપક્ષ સાથે પણ બેઠક કરવાની સરકારની પોલિસી છે. પહેલા પણ વિપક્ષ સાથે બેઠક થતી હતી.
આ પરંપરા અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહના સમયે પણ હતી, પરંતુ હવે સરકાર વિપક્ષ નેતા સાથે મુલાકાત નહીં કરવાની સૂચના આપે છે. પીએમ મોદી અસુરક્ષા અનુભવતા હોવાથી તેઓ ઉપરોક્ત પ્રક્રિયાનું પાલન નથી કરતા.
આપણ વાચો: ગુજરાતમાં મહિલાઓને લગતા ગુનાઓ મુદ્દે રીવાબાએ રાહુલ ગાંધીને શું આપ્યો જવાબ ?
પ્રિયંકા ગાંધીએ શું કહ્યું?
દરમિયાન કોંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ સરકાર પર પ્રહાર કરતા કહ્યું, કોઈ પણ વિદેશી પ્રતિનિધિ વિપક્ષ સાથે મુલાકાત કરી શકે તેવો પ્રોટોકોલ હોય છે પરંતુ હવે આમ થઈ રહ્યું નથી. સરકારની તમામ નીતિ આવી જ છે. સરકાર કોઈને અવાજ ઉઠાવવા દેતી નથી કે કોઈનો પક્ષ પણ સાંભળતી નથી.



