રાહુલ ગાંધીએ લેખમાં શું લખ્યું જેનાથી રાજવી પરિવારો રોષે ભરાયા
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. તેઓ અવારનવાર દેશ, દેશની સંસ્કૃતિ, બંધારણ, જાતિ વગેરે વિશે બેફામ નિવેદનો કરી વિવાદને જનમ આપે છે. હાલમાં તેમના સમાચાર પત્રમાં પ્રકાશિત થયેલા એક લેખને કારણે વિવાદ ઊભો થયો છે. રાહુલ ગાંધીએ તેમના લેખમાં વર્તમાન કારોબાર અને બજારની સ્થિતિ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા, જેને કારણે આ વિવાદ થયો હતો. લેખમાં રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે ઈસ્ટ ઈન્ડિયા કંપની ખતમ થઈ ગઈ છે પરંતુ તેણે જે ડર પેદા કર્યો હતો તે ફરીથી દેખાવા લાગ્યો છે.
એકાધિકારવાદીઓની નવી પેઢીએ તેનું સ્થાન લીધું છે. આ કંપનીએ તેની વ્યાપારી શક્તિથી નહીં પરંતુ તેની છેતરપિંડીથી ભારતના અવાજને કચડી નાખ્યો હતો. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતના રાજા,મહારાજાઓને ધમકાવીને અને લાંચ આપીને ભારત પર શાસન કર્યું હતું. તેમના વિચારો કેન્દ્ર સરકારને પસંદ આવ્યા નથી. રાજસ્થાનના ડેપ્યુટી સીએમ દિયા કુમારી, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ઉદયપુરના રાજા લક્ષ્ય સિંહ મેવાડે આ લેખની કેટલીક લાઇનોનો વિરોધ કર્યો છે અને રાહુલ ગાંધી સામે નિશાન તાક્યું છે.
રાહુલ ગાંધીએ દેશની મોટાભાગની સત્તા એક વિશેષ વર્ગના હાથમાં હોવા વિશે લખ્યું છે. તેઓએ તેને મેચ ફિક્સિંગ ગણાવ્યું છે.કેન્દ્ર સરકારના દિગ્ગજ નેતાઓએ એની સામે વાંધો ઉઠાવ્યો છે. રાજસ્થાનના ડેપ્યુટી સીએમ દિયા કુમારીએ જણાવ્યું હતું કે તેઓ ભારતના પૂર્વ શાહી પરિવારોને બદનામ કરવાના રાહુલ ગાંધીના પ્રયાસોની સખત નિંદા કરે છે. અખંડ ભારતનું સ્વપ્ન ભારતના ભૂતપૂર્વ રાજવી પરિવારોના સર્વોચ્ચ બલિદાનને કારણે જ શક્ય બન્યું હતું. ઐતિહાસિક તથ્યોના અધૂરા અર્થઘટનના આધારે રાહુલ ગાંધી દ્વારા કરાયેલા આક્ષેપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. આ બિલકુલ સ્વીકાર્ય નથી.
તે જ સમયે જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે ફરત ફેલાવનારાઓને ભારતીય ગૌરવ અને ઈતિહાસ પર પ્રવચન કરવાનો કોઈ અધિકાર નથી. ભારતના સમૃદ્ધ વારસા વિશે રાહુલ ગાંધીની અજ્ઞાનતા અને તેમની સંસ્થાનવાદી માનસિકતાએ તમામ હદ વટાવી દીધી છે. રાહુલ ગાંધીએ ભારત માતાનું અપમાન કરવાનું બંધ કરવું જોઇએ અને દેશને આઝાદી અપાવનારા સાચા વીરો વિશે જાણવું જોઇએ. તેમણે એમ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધી આત્મનિર્ભર ભારતના કોઈ ચેમ્પિયન નથી; તે ફક્ત જૂની સત્તાનું ઉત્પાદન છે.
ભારતનો વારસો ‘ગાંધી’ અટકથી શરૂ થતો નથી કે સમાપ્ત થતો નથી. તેમણે ભારતના ઇતિહાસનું સન્માન કરવું જોઇએ. સાંસદ યદુવીર વાડિયારે પણ રાહુલ ગાંધીના વિચારોની નિંદા કરી હતી.