
પંચમઢી: સામાન્ય રીતે જાણીતી હસ્તી ઘણીવાર મહત્ત્વના કાર્યક્રમમાં મોડા પહોંચતા હોય છે. જોકે, કૉંગ્રેસના એક કાર્યક્રમમાં મોડા પહોંચવાને લઈને રાહુલ ગાંધી ચર્ચામાં આવ્યા છે. મધ્યપ્રદેશના પંચમઢીમાં આયોજિત કોંગ્રેસના જિલ્લા પ્રમુખો માટેના તાલીમ સત્રમાં હાજરી આપવા ગયેલા રાહુલ ગાંધી ફરી એકવાર મોડા પહોંચ્યા હતા. જોકે, મોડા પહોંચવા બદલ રાહુલ ગાંધીને સજા કરવામાં આવી હતી. આવો જાણીએ, રાહુલ ગાંધીને કેવી સજા મળી હતી.
શિસ્ત શિબિરમાં રાહુલને સજા
પંચમઢીમાં યોજાયેલા આ તાલીમ સત્રમાં શિસ્તના નિયમો અત્યંત કડક હતા. મોડા આવનારાઓને માત્ર તાળીઓ પાડીને ‘સમય વ્યવસ્થાપન’ યાદ કરાવવામાં આવતું નહોતું, પરંતુ પ્રતીકાત્મક સજા પણ આપવામાં આવતી હતી.
શનિવારે એટલે કે 9 નવેમ્બર 2025ની સાંજે રાહુલ ગાંધી પોતે આ સત્રમાં હાજરી આપવા માટે લગભગ 20 મિનિટ મોડા પહોંચ્યા હતા. આ સમયે કોંગ્રેસ તાલીમ શિબિરના મુખ્ય સચિવે મજાકમાં ટિપ્પણી કરી કે મોડા આવનારાઓને સજા આપવામાં આવે છે.
જ્યારે રાહુલે પોતાની સજા પૂછી, ત્યારે તેમને 10 પુશ-અપ્સ કરવાનું કહેવામાં આવ્યું. રાહુલ ગાંધીએ બિલકુલ વિલંબ કર્યા વિના 10 પુશ-અપ્સ કરીને પોતાની સજા પૂર્ણ કરી હતી. સજા બાદ રાહુલ ગાંધીએ તાલીમ શિબિરને સંબોધિત કરી અને નવા જિલ્લા પ્રમુખો સાથે પણ મુલાકાત કરી હતી.
ભાજપ અને ચૂંટણી પંચ પર પ્રહાર
આ તાલીમ શિબિરમાં પણ રાહુલ ગાંધીએ શાસક ભાજપ અને ચૂંટણી પંચ (ECI) પર પોતાના પ્રહારો ચાલુ રાખ્યા હતા. તેમણે ચૂંટણીમાં વ્યાપક ગેરરીતિઓનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે મધ્યપ્રદેશની ચૂંટણીમાં પણ આવી જ ગેરરીતિઓ થઈ હતી.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “થોડા દિવસો પહેલા, મેં હરિયાણા મોડેલ રજૂ કર્યું હતું, જ્યાં 2.5 મિલિયન મત ચોરી થયા હતા. દર આઠમાંથી એક મતની ચોરી થઈ. આ તેમની સિસ્ટમ છે. મુખ્ય મુદ્દો મત ચોરીનો છે. અમારી પાસે પુરાવા છે અને અમે તેને એક પછી એક જાહેર કરીશું.” જોકે, ભાજપ અને ચૂંટણી પંચે આ આરોપોને નકારી કાઢ્યા છે.
ભાજપનો કટાક્ષ: ‘પર્યટનના નેતા’
રાહુલ ગાંધીના મધ્યપ્રદેશ પ્રવાસ પર ભાજપે કટાક્ષ કર્યો હતો. ભાજપના પ્રવક્તા શહઝાદ પુન્નાપૂનવાલાએ ‘એક્સ’ પર પોસ્ટ કરીને કહ્યું કે જ્યારે બિહારમાં ચૂંટણી ચાલી રહી છે, ત્યારે રાહુલ ગાંધી પંચમઢીમાં ‘જંગલ સફારી’નો આનંદ માણી રહ્યા છે. પુન્નાપૂનવાલાએ કટાક્ષ કરતા કહ્યું કે, “રાહુલ ગાંધી માટે, વિરોધ પક્ષના નેતા (LoP) નો અર્થ ‘પર્યટનના નેતા’ અને પાર્ટી કરવાનો છે.”



