કેદારનાથમાં રાહુલ ગાંધીને મળ્યા વરુણ ભાઈ અને પછી….
નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના પિતરાઈ ભાઈ અને ભાજપના સાંસદ વરુણ ગાંધી મંગળવારે કેદારનાથ મંદિરની મુલાકાત દરમિયાન થોડા સમય માટે એકબીજાને મંદિરની બહાર મળ્યા હતા. અને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી ત્યારે હવે સવાલ એ થાય કે તેમની આ મુલાકાત રાજકારણમાં કોઇ બદલાવ લાવે છે કે કેમ?
જો કે વરુણ ગાંધી પોતાના પરિવાર સાથે કેદારનાથ આવ્યા હતા. ત્યાં રાહુલ ગાંધી વરુણની પુત્રીને પણ મળ્યા અને તેમણે કહ્યું કે અમે બંને ભાઇઓ છીએ પરંતુ મળવાનું ઘણું ઓછું થાય છે. પરંતુ તેની પુત્રીને મળીને ઘણો આનંદ થયો છે. બંને પિતરાઈ ભાઈઓ વચ્ચે ઘણા સારા સંબંધો છે. જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બેઠકમાં કોઈ રાજકીય ચર્ચા થઈ નહોતી.
ઉલ્લેખનીય છે કે આ બંને ભાઈઓ ભાગ્યે જ જાહેરમાં મળે છે. દેશના અગ્રણી રાજકીય પરિવાર સાથે જોડાયેલા બે પિતરાઈ ભાઈઓની મુલાકાતથી વરુણ ગાંધીના રાજકીય ભવિષ્ય અંગે કેટલીક અટકળો શરૂ થઈ ગઈ છે.
સંજય ગાંધી અને મેનકા ગાંધીના પુત્ર વરુણ ગાંધી છેલ્લા ઘણા સમયથી ભાજપની કોઇપણ મોટી અને મહત્વની બેઠકોમાં જોવા મળ્યા નથી તેમજ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેમના વિચારો પાર્ટીથી અલગ છે. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશના પીલીભીતથી લોકસભાના સભ્ય છે.
નોંધનીય છે કે રાહુલ ગાંધી છેલ્લા ત્રણ દિવસથી ઉત્તરાખંડના કેદારનાથમાં છે, જ્યારે વરુણ ગાંધીએ મંગળવારે પરિવાર સાથે કેદારનાથના દર્શને ગયા હતા.