રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાહુલ ગાંધી અને પ્રિયંકાને આમંત્રણ નહીં, જાણો કારણ

અયોધ્યાઃ અયોધ્યામાં રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રિત મહેમાનોના નામ બહાર આવવા લાગ્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને લઈને મોટી માહિતી સામે આવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમને કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવ્યું નથી.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે કોંગ્રેસના પ્રથમ પરિવારમાંથી સોનિયા ગાંધી જ એકમાત્ર આમંત્રિત સભ્ય છે. તેનું કારણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ-બહેન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા નિર્ધારિત માપદંડોના આધારે આમંત્રણ મેળવવા માટે પાત્ર નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કોંગ્રેસ સંસદીય દળના વડા તરીકે સોનિયાને આમંત્રણ આપ્યું હતું. ટ્રસ્ટ રાજકીય મહેમાનોની ત્રણ શ્રેણીઓને આમંત્રણ મોકલી રહ્યું છે. તેમાં મુખ્ય પ્રવાહના પક્ષોના પ્રમુખો, લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના નેતાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 1984થી 1992 દરમિયાન રામ મંદિર આંદોલનમાં ભાગ લેનારા લોકોનો પણ તેમાં સમાવેશ થાય છે. ટ્રસ્ટ ખાસ મહેમાનો માટે રેડ કાર્પેટ પાથરી રહ્યું છે, જેમાં સંતો, ઉદ્યોગપતિઓ, કલાકારો અને રમતવીરોનો સમાવેશ થાય છે.
VHPના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ આપ્યું હતું. તેઓ રાજ્યસભામાં વિપક્ષના નેતા પણ છે. 2014થી લોકસભામાં વિપક્ષનો કોઈ સત્તાવાર નેતા નથી. તેથી, VHPએ કોંગ્રેસના ગૃહના નેતા અધીર રંજન ચૌધરીને આમંત્રણ મોકલ્યું છે. ટ્રસ્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને બસપાના વડા માયાવતીને ટૂંક સમયમાં આમંત્રણ મળવાના છે. ભાજપના દિગ્ગજ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને પહેલા જ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મહાસચિવે જણાવ્યું હતું કે ભગવાન રામ દરેકના છે. તેમાં કોઈ ભેદભાવ રાખવામાં આવશે નહીં. અયોધ્યામાં શ્રી રામનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. VHP નેતાનું આ નિવેદન ઘણા વિપક્ષી નેતાઓના નિવેદન પછી આવ્યું છે જેમાં તેઓએ કહ્યું હતું કે તેઓ રામલલાના અભિષેક સમારોહમાં ભાગ લેશે નહીં. સીપીઆઈ અને તૃણમૂલ કોંગ્રેસ સહિત કેટલાક પક્ષોએ આ કાર્યક્રમનો ભાગ બનવાનો ઇનકાર કર્યો છે. તેમણે ભાજપ અને આરએસએસ પર ધર્મનો રાજકીય સાધન તરીકે ઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મહાસચિવે એમ પણ જણાવ્યું હતું કે આ લોકોએ રામ જન્મભૂમિ આંદોલનને સમર્થન આપવું જોઇતું હતું, જે તેમણે આપ્યું નહોતું અને હવે જ્યારે રામ મંદિરનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે, તો તેમણે ઇર્ષ્યા ના કરવી જોઇએ.