NEETના મુદ્દે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે સરકારને ઘેરી

નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ ગયું છે. સત્રની શરૂઆતથી જ NEET, રેલ અકસ્માત, કાવડ યાત્રા અને અન્ય મુદ્દાઓને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરશોરથી ચર્ચા જોવા મળી હતી. NEET પેપર લીકના મુદ્દે ફરી એકવાર હોબાળો શરૂ થયો હતો.
લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે તમામ પરીક્ષાઓના પેપર લીક થઈ રહ્યા છે. એક જ કેન્દ્રમાંથી 2-2 હજાર ઉમેદવારો પાસ થઈ રહ્યા છે, આમાં કંઈક ખોટું તો નથી લાગતું? આવી સ્થિતિમાં પુન: પરીક્ષા લેવાની વિદ્યાર્થીઓની માંગ પર સરકાર કેમ ધ્યાન આપતી નથી?
અખિલેશ યાદવની આ વાત પર વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ તેમનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે દેશમાં લાખો વિદ્યાર્થીઓ છે જેઓ શું થઈ રહ્યું છે તેનાથી અત્યંત ચિંતિત છે અને તેઓ માને છે કે ભારતીય પરીક્ષા પદ્ધતિ એક છેતરપિંડી છે. લાખો લોકો માને છે કે જો તમે શ્રીમંત હોવ અને તમારી પાસે પૈસા હોય તો તમે ભારતીય પરીક્ષા પાસ કરી શકો છો.
અખિલેશ યાદવે સરકાર પર તંજ કસતા કહ્યું હતું કે, આ સરકાર ભલે અન્ય કોઈ રેકોર્ડ ન બનાવી શકે, પરંતુ પેપર લીકનો રેકોર્ડ ચોક્કસ બનાવશે. જ્યાં સુધી શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન છે, ત્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે.
Also Read –