
નવી દિલ્હી: વર્ષ 2023માં બિહાર સરકારે રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી હતી. ત્યારબાદ 2025ની શરૂઆતમાં તેલંગાણાની રાજ્ય સરકારે પણ જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી હતી. હવે કેન્દ્ર સરકાર પણ દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવા જઈ રહી છે. ત્યારે રાહુલ ગાંધીને દેશની એક જાતિને લઈને પોતાની ભૂલ સમજાઈ છે. રાહુલ ગાંધીએ જાહેરમાં પોતાની ભૂલની કબૂલાત કરી છે.
રાહુલ ગાંધીની ભૂલ શું હતી?
દિલ્હીમાં આજે કૉંગ્રેસ ભાગીદારી ન્યાય સંમેલન યોજાયું હતું. જેમાં રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે હું 2004થી રાજકારણમાં છું. પરંતુ જ્યારે હું ભૂતકાળમાં ડોકિયું કરૂં છું, ત્યારે મને લાગે છે કે મેં ભૂલ કરી છે. હું ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ)ની એ રીતે રક્ષા નથી કરી શક્યો, જે રીતે મારે કરવી જોઈતી હતી. આવું એટલા માટે થયું કારણ કે હું એ સમયે તમારા (ઓબીસી)ના મુદ્દાઓને ઉંડાણપૂર્વક સમજી શક્યો નહોતો. મને એ વાતનો અફસોસ છે કે, જો મને તમારો (ઓબીસી) ઇતિહાસ, તમારા મુદ્દાઓ વિશે થોડી ઘણી પણ માહિતી હોત તો હું એ સમયે જ જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી હોત અને એ મારી ભૂલ છે. આ કૉંગ્રેસ પક્ષની નહીં, આ મારી ભૂલ છે. હું એ ભૂલને સુધારવા જઈ રહ્યો છું.”
તેલંગણામાં થઈ જાતિ આધારિત વસ્તી ગણતરી
તેલંગણામાં કૉંગ્રેસની સરકાર છે. કૉંગ્રેસે અહીં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી છે. આ અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “આંકડાઓ અનુસાર તેલંગણામાં કોઈ પણ ઓબીસી, દલિત અથવા આદિવાસીને કરોડો રૂપિયાનું કોર્પોરેટ બજેટ મળ્યું નથી. તેઓ માત્ર મનરેગાની લાઈનમાં જ ઊભા રહ્યા છે. હું તે લોકોને સન્માન અપાવવા માંગું છું અને તેઓનું ઉત્થાન કરાવવા માંગું છું.”
રાહુલ ગાંધીએ સંબોધનમાં આગળ જણાવ્યું કે, “એક રીતે સારું થયું કે, આ ભૂલ થઈ. જો તે સમયે જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ જતી, તો એ રીતે ન થતી, જે રીતે હવે થવાની છે. અમે તેલંગણામાં જે કર્યું, તે એક રાજકીય ભૂકંપ છે. તેણે ભારતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો. તમે હજુ સુધી તેના ઝટકાનો અનુભવ નથી કર્યો. પરંતુ કામ થયું છે.”
ઓબીસી મતદારોની સહાનુભૂતિનો પ્રયાસ
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે ઓબીસી અંગેની સમસ્યા છૂપાયેલી નથી. તે સરળતાથી જોઈ શકાય છે. 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ઓબીસી મતદારોએ ભાજપને સમર્થન આપ્યું હતું, કારણ કે કૉંગ્રેસને ઓબીસી મતદારોના માત્ર આઠ ટકા મત મળ્યા હતા. તેથી હવે કૉંગ્રેસ ઓબીસી મતદારો તરફ પોતાનું પ્રભુત્વ વધારીને ભાજપની વોટબેન્કમાં ગાબડું પાડવાનો પ્રયાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, તેલંગાણાની જાતિ આધારિત વસ્તી ગણતરી બાદ કેન્દ્ર સરકારે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય લીધો હતો, જેથી રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસ પક્ષે તેનો શ્રેય લેવાનો પ્રયત્ન કર્યો હતો.