રાહુલ ગાંધીનો આક્ષેપ, SIR કોઈ સુધાર નથી પરંતુ લાદવામાં આવેલો જુલમ

નવી દિલ્હી : દેશભરમાં ચાલી રહેલા વોટર લિસ્ટ રિવીઝન ( SIR)મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધી સતત વિરોધ કરી રહ્યા છે. તેમજ આ મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે SIR કોઈ સુધાર નથી પરંતુ લાદવામાં આવેલો જુલમ છે. આ અંગે તેમણે એક્સ પર લખ્યું કે ચૂંટણી પંચ એવી સિસ્ટમ બનાવી છે કે જેનાથી મતદાર થાકીને હારી જશે અને વોટ ચોરી કોઈ પણ નિયંત્રણ વિના ચાલુ રહેશે.
રાહુલ ગાંધીએ SIR કામગીરી અંગે અનેક સવાલો ઉભા કર્યા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ SIR કામગીરી અંગે અનેક સવાલો ઉભા કર્યા છે. તેમણે કામગીરી દરમિયાન બીએલઓના આત્મ હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે લખ્યું કે, એસઆઈઆરના નામથી દેશભરમાં અરાજકતા ફેલાઈ ગઈ છે.
પરિણામ શું આવ્યું? ત્રણ અઠવાડિયામાં 16 બીએલઓએ જીવ ગુમાવ્યા છે. હાર્ટ એટેક, તણાવ, આત્મહત્યા એસઆઈઆર કોઈ સુધારો નથી પરંતુ તે લાદવામાં આવેલો જુલમ છે.
આપણ વાચો: રાહુલ ગાંધી પર ફૂટયો પૂર્વ અધિકારીઓનો ગુસ્સો, કહ્યું રાહુલ ગાંધી ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે
એસઆઈઆર દ્વારા વોટ ચોરીનો આરોપ
રાહુલ ગાંધીએ એસઆઈઆર દ્વારા વોટ ચોરીનો આરોપ લગાવતા લખ્યું કે, ભારતીય ચૂંટણી પંચ એક એવી સિસ્ટમ બનાવી છે જ્યાં નાગરિકોને પોતાને શોધવા માટે ૨૨ વર્ષ જૂની મતદાર યાદીઓના હજારો સ્કેન કરેલા પાના ફેરવવા પડે છે. ઉદ્દેશ્ય સ્પષ્ટ છે, સાચા મતદારો થાકી જશે અને હાર માની લેશે અને વોટ ચોરી સતત ચાલુ રહેશે.
ચૂંટણી પંચની પારદર્શિતા અને જવાબદારી પર પણ પ્રશ્ન
આ ઉપરાંત રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની પારદર્શિતા અને જવાબદારી પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે લખ્યું હતું કે, ભારત વિશ્વ માટે અત્યાધુનિક સોફ્ટવેર બનાવે છે, પરંતુ ભારતીય ચૂંટણી પંચ હજુ પણ કાગળોનું જંગલ બનાવવાનું આગ્રહી છે.
જો ઇરાદા સ્પષ્ટ હોત તો યાદી ડિજિટલ શોધી શકાય તેવી બનાવી હોત. તેમજ ચૂંટણી પંચે 30 દિવસમાં ઝડપથી કામ પૂર્ણ કરવાને બદલે પારદર્શિતા અને જવાબદારી પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હતી.



