નેશનલ

રફાલ ડીલ પર લાગી બ્રેક? ફ્રાન્સના સંરક્ષણ પ્રધાનની ભારત મુલાકાત અચાનક રદ

નવી દિલ્હી: પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, ભારત પાકિસ્તાન પર લશ્કરી કાર્યવાહી કરે તેવી શક્યતા છે. દુનિયાભરના દેશો સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. એવામાં ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુ(Sébastien Lecornu) એ તેમની ભારત મુલાકાત અચાનક મુલતવી રાખી છે. તેઓ 27 એપ્રિલે ભારત આવવાના હતાં.

ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુની આ મુલાકાત ખુબ મહત્વની માનવામાં આવી રહી હતી, કેમ કે આ મુલાકાત દરમિયાન ફ્રાન્સ અને ભારત વચ્ચે મહત્વની આર્મ્સ ડીલ થવાની હતી. તેમની મુલાકાત દરમિયાન ફ્રાંસ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાની ડીલ પર હસ્તાક્ષર થવાના હતાં, આ ડીલની કિંમત 7 બિલિયન યુરો છે.

છેલ્લી ઘડીઓ મુલાકાત રદ:

છેલ્લા ઘણા મહિનાઓથી આ ઉચ્ચ-સ્તરીય મુલાકાતનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. ફ્રાન્સની દસોલ્ટ એવિએશનના કેરિયર-બોર્ન રાફેલ મરીન ફાઇટર જેટની ખરીદી અંગે ભારત અને ફ્રાન્સ વચ્ચે કરારની તૈયારીઓ લગભગ પર્ણ કરવામાં આવી છે. પરંતુ છેલી ઘડીએ આ મુલાકાત મુલતવી રાખવામાં આવી છે, જેના પાછળનું કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. જોકે આ નિર્ણય પહેલગામ હુમલા પછી ઉભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાની અટકળો છે.

આ વૈશ્વિક નેતાઓએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો:

પહેલગામ હુમલા બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને (Emmanuel Macron) ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. રાષ્ટ્રપતિ મેક્રોને પહેલગામ હત્યાકાંડ પર શોક વ્યક્ત કર્યો હતી અને ભારતને સમર્થન આપ્યું હતું.

અહેવાલ મુજબ મેક્રોને વડાપ્રધાન મોદીને કહ્યું કે “આ પ્રકારની બર્બરતા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે, આતંકવાદ સામેની લડાઈમાં ફ્રાન્સ ભારત સાથે ઉભું છે.”

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સહિત વિશ્વના ઘણા નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે X પર જણાવ્યું “ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો અને ભારતીય ભૂમિ પર થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી. તેમણે ભારતના લોકો અને પીડિતોના પરિવારો સાથે સંવેદના વ્યક્ત કરી.”

અન્ય એક પોસ્ટમાં રણધીર જયસ્વાલે લખ્યું, “વડાપ્રધાન @GiorgiaMeloni એ વડાપ્રધાન @narendramodi ને ફોન કર્યો અને ભારતીય ભૂમિ પર થયેલા ભયાનક આતંકવાદી હુમલાની કડક નિંદા કરી. તેમણે પીડિતો માટે પોતાની સંવેદનાઓ અને પ્રાર્થનાઓ વ્યક્ત કરી.તેમણે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી. તેમણે આતંકવાદ સામેની લડાઈમાં ઇટાલીનો સંપૂર્ણ ટેકો હોવાનું કહ્યું.”

દરમિયાન, જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને પહેલગામ આતંકવાદી હુમલા પર સંવેદના વ્યક્ત કરી. જોર્ડનના રાજા અબ્દુલ્લા બીજાએ પણ વડાપ્રધાન મોદી સાથે વાત કરીને શોક વ્યક્ત કર્યો અને હુમલાની કડક નિંદા કરી.

આ પણ વાંચો…પહેલગામ હુમલા બાદ ભારતીય વાયુસેનાએ શરૂ કર્યો યુદ્ધ અભ્યાસ, પાકિસ્તાનની ચિંતા વધી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button