
નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આ વખતે કેરળના વાયનાડ અને યુપીના રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. રાયબરેલી સીટ પરથી અગાઉ તેમના માતા સોનિયા ગાંધી સતત ચૂંટણી જીતી સાંસદ રહ્યા છે. આજે શુક્રવારે કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી તેમના પુત્ર રાહુલના ચૂંટણી પ્રચાર માટે રાયબરેલી પહોંચ્યા હતા. તેમણે જનસભાને ભાવુક અપીલ કરતા કહ્યું કે ‘હું મારો પુત્ર તમને સોંપી રહી છું, તે તમને નિરાશ નહીં કરે..’
રાયબરેલીમાં રેલીને સંબોધતા કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ કહ્યું, “મારો પાલવ તમારા પ્રેમ અને આશીર્વાદ આખી જીંદગી ભરેલો રહ્યો. તમારા પ્રેમે મને ક્યારેય એકલી પડવા દીધી નથી, મારું બધું તમે આપેલું છે. હું મારો દીકરો તમને સોંપી રહીં છું. જેમ તમે મને તમારી પોતાની માની છે તેમ તમારે રાહુલને તમારો પોતાનો માનીને રાખવાનો છે, રાહુલ તમને નિરાશ નહીં કરે.’
આ દરમિયાન સોનિયા ગાંધીએ પૂર્વ PM ઈન્દિરા ગાંધીનો પણ યાદ કર્યા હતા. સોનિયા ગાંધીએ કહ્યું કે, ‘ઇન્દિરાજીના દિલમાં રાયબરેલી માટે ખાસ સ્થાન હતું. મેં તેમને નજીકથી કામ કરતા જોયા છે. તેમને તમારા માટે અપાર પ્રેમ હતો. મેં રાહુલ અને પ્રિયંકાને એ જ શિક્ષણ આપ્યું છે જે ઈન્દિરાજી અને રાયબરેલીના લોકોએ મને આપી હતી. દરેકને માન આપો, દુર્બળનું રક્ષણ કરો. અન્યાય સામે લોકોના અધિકારોની સુરક્ષા માટે તમારે જેની પણ સામે લડવું હોય તો લડો, ડરશો નહીં.. કારણ કે તમારા સંઘર્ષના મૂળ અને પરંપરાઓ ખૂબ જ મજબૂત છે.
ઉલ્લેખનીય છે કે રાયબરેલી બેઠક નહેરુ-ગાંધી પરિવારની પરંપરાગત બેઠક રહી છે. ફિરોઝ ગાંધીથી લઈને ઈન્દિરા ગાંધી, અરુણ નેહરુ અને સોનિયા ગાંધી આ બેઠક પરથી સંસદમાં પહોંચતા રહ્યા છે. હવે સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભામાં ગયા છે અને આ વખતે રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી ઉમેદવાર છે.