લખનઉ એરપોર્ટ પર રેડિયોએક્ટીવ પદાર્થ લીક થતા દોડધામ, NDRF ઘટના સ્થળે

લખનઉ: આજે શનિવારે સવારે લખનઉ એરપોર્ટ(Lucknow Airport)ના કાર્ગો ટર્મિનલ પર રેડિયોએક્ટિવ પદાર્થ લીક (radioactive material leak) થતા દોડધામ મચી ગઈ હતી. સુરક્ષા સાધનોનું એલાર્મ વાગતાં જ તંત્ર દોડતું થયું હતું, એનડીઆરએફ, એસડીઆરએફને જાણ કરવામાં આવી હતી, આ વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો. કેન્સર વિરોધી દવાઓનું કન્ટેનર લીક થયું હતું જેમાં રેડિયોએક્ટિવ પદાર્થ હતો. તપાસમાં સામેલ ત્રણ કર્મચારીઓને અલગ રાખવામાં આવ્યા છે.
અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે લખનઉના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કાર્ગો વિસ્તારમાં રેડિયોએક્ટિવ સામગ્રી માટે એલાર્મનું કારણ બનેલા શિપમેન્ટને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું છે.
કેન્સર વિરોધી દવાઓનું કન્ટેનર ફ્લાઈટ દ્વારા ગુવાહાટી મોકલવાનું હતું. એરપોર્ટની ડોમેસ્ટિક કાર્ગો ટર્મિનલ બાજુમાં કન્ટેનરનું સ્કેનિંગ હેઠળ હતું. એટલામાં મશીનમાં અલાર્મ વાગ્યું. જેના કારણે કોઈ ગરબડ હોવાની જાણ થઇ.
આ પણ વાંચો : સાબરમતી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના કે કાવતરું? એન્જીન ભારે પથથર સાથે અથડાયું હોવાનો દાવો
સ્થળ પર હાજર સ્ટાફે કન્ટેનર ખોલ્યું. કન્ટેનર લીક થઈ રહ્યું હતું, નીકળતા ગેસને કારણે કામદારો બેભાન થઈ ગયા હતા. જો કે, એરપોર્ટ પ્રશાસને કર્મચારીઓના બેભાન થવાના અહેવાલને નકારી કાઢ્યા છે. ત્રણ કામદારોને અલગ રાખવામાં આવ્યા છે અને લીક થતા કન્ટેનરને સુરક્ષિત રીતે એક બાજુએ રાખવામાં આવ્યું છે.
એનડીઆરએફ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) અને એરપોર્ટની ફાયર સર્વિસને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને તેનું સંચાલન કરવા માટે તૈનાત કરવામાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું “મીડિયામાં અફવા છે, કોઈ જાનહાનિ થઈ ન હતી અને કોઈ ખતરો નથી, એરપોર્ટની કામગીરી સરળ રીતે ચાલી રહી છે અને તેની અસર થઈ નથી.”
શિપમેન્ટમાં કેન્સરના દર્દીઓ માટે દવાઓ હતી, જેમાં ફ્લોરિનનો સમાવેશ થાય છે. ફ્લોરિન તેના સંભવિત જોખમો માટે જાણીતો છે. ફ્લોરિન, એક અત્યંત રીએક્ટીવ ગેસ છે, જે શ્વસનતંત્રને ગંભીર નુકસાન કરી શકે છે.