નેશનલ

બાંગ્લાદેશને ભડકે બળતું કરનારા ખલનાયકો કોણ, જાણો સમગ્ર યાદી?

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારને સત્તામાં આવ્યાને દોઢ વર્ષ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ દેશમાં શાંતિ સ્થાપવાને બદલે અરાજકતાનું વાતાવરણ વધુ ઘેરું બન્યું છે. લોકશાહીના નામે શરૂ થયેલી આ નવી વ્યવસ્થા હવે કટ્ટરપંથી સંગઠનોના દબાણ હેઠળ દબાઈ રહી હોય તેવું જણાય છે.

ખાસ કરીને લઘુમતી હિન્દુઓ પર થતા હુમલા અને મંદિરોમાં તોડફોડની વધતી ઘટનાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી રહી છે. મીડિયા અહેવાલ મુજબ, છેલ્લા આઠ મહિનામાં હિંસાના 2300 થી વધુ કિસ્સાઓ નોંધાયા છે, જે દર્શાવે છે કે સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે.

યુનુસ સરકાર માટે સૌથી મોટો પડકાર એ છે કે જે સંગઠનોએ તેમને સત્તા સુધી પહોંચવામાં મદદ કરી હતી, તે જ હવે તેમના વિરોધી બની ગયા છે. ‘ઇન્કલાબ મંચ’ ના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ દેશમાં હિંસા ભભૂકી ઉઠી છે. કટ્ટરપંથી જૂથો સરકાર પર સેક્યુલર નીતિઓ અપનાવવાનો આરોપ લગાવી રહ્યા છે. નિષ્ણાતોના મતે, ફેબ્રુઆરી 2026 માં યોજાનારી ચૂંટણી પહેલા દેશમાં જાણીજોઈને અસ્થિરતા ફેલાવવામાં આવી રહી છે, જેથી કટ્ટરપંથી તાકતો પોતાનું વર્ચસ્વ જમાવી શકે.

શેખ હસીનાના શાસનકાળ દરમિયાન જે કટ્ટરપંથી સંગઠનો પર પ્રતિબંધ હતો, તેમને યુનુસ સરકારે છૂટ આપી દીધી છે. ‘જમાત-એ-ઇસ્લામી’ અને ‘હિઝબ-ઉત-તહરીર’ જેવા સંગઠનો હવે જાહેરમાં સક્રિય થયા છે. આ સંગઠનો માત્ર બાંગ્લાદેશમાં જ નહીં પરંતુ ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલા હોવાના અહેવાલો છે. ઢાકામાં આઈસીઆઈસી (ISIS) જેવા ઝંડા લહેરાવવાની ઘટનાઓએ સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. આ સંગઠનો શરિયા કાયદો લાગુ કરવાની અને સ્ત્રીઓના અધિકારો છીનવી લેવાની માંગ કરી રહ્યા છે.

બાંગ્લાદેશમાં સૌથી વધુ ચિંતાજનક બાબત આતંકવાદી નેતાઓની મુક્તિ છે. અલ-કાયદા સાથે જોડાયેલા ‘અંસારુલ્લા બાંગ્લા ટીમ’ ના વડા મુફ્તી જશીમુદ્દીન રહેમાનીને જેલમાંથી છોડવામાં આવતા ભારતની સુરક્ષા સામે પણ ખતરો ઉભો થયો છે. આ આતંકી સંગઠનો સ્લીપર સેલ દ્વારા જેહાદી નેટવર્ક મજબૂત કરી રહ્યા છે.

બીજી તરફ, મામુનુલ હક જેવા નેતાઓ ઇસ્લામિક સિદ્ધાંતોને સરકારી નીતિઓમાં ફરજિયાત બનાવવાનું દબાણ કરી રહ્યા છે. આ પરિસ્થિતિ માત્ર બાંગ્લાદેશ માટે જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાની શાંતિ માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે.

આ પણ વાંચો…ભારત બાંગ્લાદેશ તણાવ વચ્ચે રશિયાની બાંગ્લાદેશને સલાહ, કહ્યું ભારત સાથે સંબંધ સુધારો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button