નેશનલ

રાબડી દેવીને સરકારી બંગલો ખાલી કરાવવા મુદ્દે આરજેડી લડી લેવાના મૂડમાં, કહ્યું બંગલો ખાલી નહીં થાય…

પટનાઃ બિહારમાં એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) સરકારના પ્રધાનોને નવા આવાસ ફાળવવામાં આવી રહ્યા છે. આ હેઠળ, પૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવીએ 10 સર્ક્યુલર રોડનો સત્તાવાર આવાસ ખાલી કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ હવે આરજેડી (રાષ્ટ્રીય જનતા દળ) તરફથી પણ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. આરજેડીના પ્રદેશપ્રમુખે કહ્યું છે કે સરકારની આ કાર્યવાહી રાજકીય દ્વેષનું પરિણામ છે. એટલું જ નહીં, આ મુદ્દે કહ્યું છે કે જે કાંઈ પણ કરવાનું હશે તે કરીશું, પરંતુ બંગલો ખાલી કરશે નહીં.

ભાજપના નેતૃત્વનો વિશ્વાસ હાંસલ કરવાની કોશિશઃ આરજેડી

આ મુદ્દે આરજેડીના પ્રદેશપ્રમુખ મંગની લાલ મંડળે જણાવ્યું છે કે રાબડી દેવી સરકારી બંગલો ખાલી કરવાની કાર્યવાહી ફક્ત રાજકીય કપટનું પરિણામ છે. રાજકીય બદલાની ભાવનાથી કાર્યવાહી કરી છે. છેલ્લા 20 વર્ષમાં સરકાર બદલાવવા છતાં આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું નથી. આ જ ઘરમાં જ્યારે બે-બે મુખ્ય પ્રધાન રહ્યા છે ત્યારે આ બંગલો શા માટે ખાલી કરાવવામાં આવે છે. અચાનક આ પગલું શા માટે ભરવામાં આવી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે મુખ્ય પ્રધાનનું આ પગલું વડા પ્રધાન મોદી અને ભાજપના નેતૃત્વનો વિશ્વાસ હાસલ કરવા માટે કરે છે. તેમના અનુસાર ગૃહ વિભાગ ભાજપની પાસે જવાથી લાલુ પરિવારને જાણીજોઈને અપમાનિત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: રાબડી દેવી સાથેની મુલાકાત-તેજપ્રતાપ યાદવ

આ ફેરફાર લાલુ પરિવાર માટે એક ઝટકો છે, કારણ કે લાલુ પરિવાર લાંબા સમયથી આ આવાસમાં રહી રહ્યો હતો. 2005માં રાજ્યમાં નીતિશ કુમારની સરકાર બન્યા પછી 16 જાન્યુઆરી 2006ના રોજ આ આવાસમાં લાલુ પરિવારની એન્ટ્રી થઈ હતી, જે આજ સુધી બદલાઈ નહોતી. પરંતુ આ વખતે નવી સરકારમાં લાલુ પરિવારનું આ ઠેકાણું હવે બદલાવા જઈ રહ્યું છે. નવી સરકારમાં ભાજપનો દબદબો દેખાઈ રહ્યો છે અને આ તેનું જ સંકેત લાગે છે. જોકે, ભવન નિર્માણ વિભાગની જવાબદારી જેડીયુ કોટાના પ્રધાન વિજય ચૌધરી પાસે છે.

ઔપચારિક પત્ર જારી

મંગળવારે ભવન નિર્માણ વિભાગે પ્રધાનો અને બિહાર વિધાન પરિષદના વિપક્ષના નેતા માટે આવાસ ફાળવ્યા છે. આ અંતર્ગત રાબડી દેવીને હવે 39 હાર્ડિંગ રોડનો આવાસ ફાળવવામાં આવ્યો છે. ભવન નિર્માણ વિભાગના સંયુક્ત સચિવ-કમ-ભૂ-સંપદા અધિકારી શિવ રંજને આ સંબંધમાં ઔપચારિક પત્ર જારી કરી દીધો છે.

આ પણ વાંચો: બિહારમાં રાબડી દેવીને મોટો ફટકો: સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવાનો અપાયો આદેશ

ભાજપે કર્યો કટાક્ષ

આ ફેરફાર પર ભાજપના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું છે કે જો રાબડી દેવીજીને 10 સર્ક્યુલર રોડનો આવાસ ખાલી કરવાનો આદેશ થયો છે, તો તેમણે તરત જ તે આવાસ ખાલી કરી દેવો જોઈએ. ભાજપના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે તેમને આશા છે કે આ વખતે તેઓ પોતાના પરિવારના ટ્રેક રેકોર્ડની જેમ ત્યાંથી કોઈ સરકારી સંપત્તિની ચોરી નહીં કરે અને ન તો નુકસાન પહોંચાડશે. બાથરૂમમાંથી નળ પણ નહીં ખોલે, અમારી તેમના પર બાજ નજર રહેશે.

બંગલાની સંપૂર્ણ કહાણી શું છે?

પટનાના પ્રતિષ્ઠિત વીઆઇપી વિસ્તારમાં આવેલો 10 સર્ક્યુલર રોડનો સરકારી બંગલો આશરે વીસ વર્ષોથી બિહારના રાજકારણનું કેન્દ્રબિંદુ રહ્યો છે. આ એ જ ઘર છે, જ્યાં લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીનો રાજકીય દરબાર સજતો હતો અને જ્યાંથી સત્તાની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવતી હતી. પરંતુ હવે નવી NDA સરકારે આ ઐતિહાસિક સરનામું રાબડી દેવી પાસેથી ખાલી કરાવવાનો આદેશ જારી કરી દીધો છે.

આ પણ વાંચો: Land-For-Job Case: બિહારના પૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવી અને તેમની દીકરીઓને કોર્ટે રાહત આપી, વચગાળાના જામીન મંજૂર

10 સર્ક્યુલર રોડની શરૂઆત કેવી રીતે થઈ?

2005 પહેલા લગભગ દોઢ દાયકા સુધી લાલુ-રાબડી સત્તામાં હતા અને તે દરમિયાન આખો પરિવાર એક અણે માર્ગના સરકારી આવાસમાં રહેતો હતો. પરંતુ નવેમ્બર 2005માં નીતિશ કુમારે મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું અને એક અણે માર્ગમાં શિફ્ટ થઈ ગયા હતા. આ પછી પૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવીને 10 સર્ક્યુલર રોડનો બંગલો ફાળવવામાં આવ્યો હતો, જે રાજ્યના મુખ્ય પ્રધાન આવાસની બરાબર બાજુમાં આવેલો છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button