
નવી દિલ્હી: રાજ્ય સરકાર અને રાજ્યપાલ વચ્ચેના સંઘર્ષના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. ત્યારે મંગળવારે સુપ્રિમ કોર્ટમાં કર્ણાટક, પંજાબ, કેરળ અને તેલંગણાએ મહત્વપૂર્ણ દલીલ કરી હતી. આ રાજ્યોનું કહેવું છે કે બંધારણ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને કોઈ પણ બિલને રોકવાનો વિવેકાધિકાર આપતું નથી, પછી ભલે તે ગેરબંધારણીય હોય કે પછી કોઈ કેન્દ્રીય કાયદા સાથે ટકરાતું હોય. તેમણે કહ્યું કે કેબિનેટ પ્રણાલીની સર્વોચ્ચતા જાળવી રાખવી જરૂરી છે અને વિધાનમંડળ દ્વારા પસાર થયેલું બિલ જનતાની ઇચ્છાનું પ્રતિબિંબ હોય છે.
કર્ણાટક તરફથી હાજર રહેલા વરિષ્ઠ અધિવક્તા ગોપાલ સુબ્રમણ્યમે મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ સમક્ષ જણાવ્યું હતું કે, “રાજ્યપાલને વ્યાપક વિવેકાધિકાર આપવો એ બેવડી સત્તાની સ્થિતિ ઊભી કરશે. ન તો રાષ્ટ્રપતિ કે ન તો રાજ્યપાલને કોઈ પણ બિલ પર વીટોનો અધિકાર આપી શકાય છે. તેઓ હંમેશા મંત્રી પરિષદની સલાહ અને સહાયથી બંધાયેલા હોય છે.”
આ વિષયમાં સ્વતંત્ર નિર્ણય રીતે નિર્ણય લઈ શકે
જો કે ગોપાલ સુબ્રમણ્યમે એ પણ સ્વીકાર્યું કે કેટલાક ખાસ કિસ્સાઓમાં રાજ્યપાલ મંત્રી પરિષદની સલાહ વગર પણ કાર્યવાહી કરી શકે છે. જેમાં ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ હેઠળ મંત્રીઓ સામે કાર્યવાહી ચલાવવાની પરવાનગી આપવી, યુનિવર્સિટીઓના કુલપતિ તરીકેની જવાબદારી નિભાવવી તેમજ ધાર્મિક બોર્ડના વડા તરીકેની ભૂમિકાનો સમાવેશ થાય છે.
જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ બિલ પર ‘અસહમતિ’ વ્યક્ત કરવાનો અધિકાર ફક્ત એક જ વાર તેને પુનર્વિચાર માટે વિધાનમંડળને પરત મોકલવા પૂરતો મર્યાદિત છે. જો વિધાનમંડળ તેને ફરીથી પસાર કરે, ભલે તે સુધારા સાથે હોય કે સુધારા વગર, તો રાજ્યપાલ પાસે તેને મંજૂરી આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.
બિલ પર નિર્ણય લેવા સમયમર્યાદા જરૂરી
તેમણે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે વર્તમાન રાજકીય પરિસ્થિતિઓમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે બિલ પર નિર્ણય લેવા માટે સમયમર્યાદા નક્કી કરવી જરૂરી છે. તેમણે યાદ અપાવ્યું કે સુપ્રીમ કોર્ટે ૮ એપ્રિલે તમિલનાડુ કેસમાં તેના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું હતું કે જો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ અનિશ્ચિતકાળ સુધી નિર્ણય ટાળતા રહે, તો આવા સંજોગોમાં સમયસીમાનું નિર્ધારણ રાજ્યોને ન્યાય મેળવવાની તક આપે છે.
આ પણ વાંચો….પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને ઈડી પાસે માંગ્યો જવાબ