યુક્રેન સાથેના જંગમાં પુતિનનું મહત્વપૂર્ણ નિવેદન, ભારત માટે કહી આ વાત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે શાંતિ મંત્રણાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે યુક્રેન સાથે રશિયાની સંભવિત શાંતિ વાટાઘાટોમાં ચીન, ભારત અને બ્રાઝિલ મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે.
પુતિને ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં જણાવ્યું હતું કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેનના ડોનબાસ વિસ્તારને કબજે કરવાનો જ રહ્યો છે. રશિયન સૈન્ય ધીમે ધીમે કુર્સ્કથી યુક્રેનિયન સૈન્યને પાછું ખેંચી રહ્યું છે. પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ યુદ્ધગ્રસ્ત યુક્રેન અને તે પહેલા રશિયાની મુલાકાત લીધી હતી. પીએમ મોદીની આ બંને મુલાકાતો ખૂબ મહત્વની હતી અને વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બની હતી.
પીએમ મોદી જુલાઈ મહિનામાં રશિયાના પ્રવાસે ગયા હતા. તેમની આ મુલાકાત નાટો સમિટ વચ્ચે થઈ હતી. આ દરમિયાન પીએમ મોદીના રાષ્ટ્રપતિ પુતિનને ગળે લગાવતી તસવીરોની ખૂબ ચર્ચા થઈ હતી. આ દરમિયાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યાદ અપાવ્યું હતું કે શાંતિનો માર્ગ યુદ્ધના મેદાનથી નથી આવતો.
આ પણ વાંચો: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કરી જાહેરાત, આવતા વર્ષે રશિયા BRICSની અધ્યક્ષતા કરશે’
આ મુલાકાત દરમિયાન પુતિને પીએમ મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલથી પણ સન્માનિત કર્યા હતા. જોકે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી તેમની મુલાકાતથી નારાજ હતા અને તેમણે જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. રશિયા બાદ વડાપ્રધાન મોદીએ 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લીધી હતી.
તેઓ પોલેન્ડથી ટ્રેન દ્વારા કિવ પહોંચ્યા હતા. પીએમ મોદી રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે યુક્રેન નેશનલ મ્યુઝિયમ પહોંચ્યા હતા. આ બેઠકની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા, જેમાં બંને નેતાઓ ભાવુક થતા જોવા મળ્યા હતા.
આ દરમિયાન પીએમ મોદીએ ઝેલેન્સ્કીને જણાવ્યું હતું કે, યુક્રેને સમય બગાડ્યા વિના શાંતિની વાત કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે ઉકેલનો માર્ગ સંવાદ-કુટનીતિથી જ આવે છે અને તેમણે સમય બગાડ્યા વિના આ દિશામાં આગળ વધવું જોઈએ. ઝેલેન્સકીને આ કહેતા પહેલા વડાપ્રધાન મોદીએ તેમને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મદદની ખાતરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ઝેલેન્સકીને કહ્યું હતું કે થોડા સમય પહેલા હું રાષ્ટ્રપતિ પુતિનને મળ્યો હતો અને મીડિયાની સામે મેં તેમને જણાવ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી. મેં સ્પષ્ટ કહ્યું છે કે યુદ્ધના મેદાનમાં ક્યાંય પણ કોઈ સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી.
ભારત રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અટકાવીને શાંતિ માટે સતત અપીલ કરી રહ્યું છે. ભારત આ મામલાને વહેલી તકે ઉકેલવાના પક્ષમાં છે. તેમણે યુક્રેનની મુલાકાત દરમિયાન ઝેલેન્સ્કીને ઓફર પણ કરી હતી કે ભારત શાંતિ માટેના પ્રયાસોમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. તેમણે ઝેલેન્સકીને કહ્યું હતું કે હું તમને ખાતરી આપવા માંગુ છું કે ભારત શાંતિ માટેના દરેક પ્રયાસમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.