
નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે છે. બંને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. રશિયાના સરકારી માલિકીના ન્યૂક્લિયર કોર્પોરેશનએ જાહેરાત કરી કે તેણે તમિલનાડુના કુડનકુલમ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ ખાતે ત્રીજા રિએક્ટરના પ્રારંભિક લોડિંગ માટે પરમાણુ ઈંધણની પ્રથમ શિપમેન્ટ પહોંચાડી દીધી છે. પરમાણુ ઈંધણની ડિલિવરી એવા સમયે કરવામાં આવી રહી છે, જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની બે દિવસની મુલાકાતે છે.
રશિયન કોર્પોરેશને જણાવ્યું હતું કે રોસાટોમના ન્યૂક્લિયર ફ્યુઅલ ડિવિઝન દ્વારા સંચાલિત કાર્ગો ફ્લાઇટ નોવોસિબિર્સ્ક કેમિકલ કોન્સન્ટ્રેટ્સ પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત ઇંધણ રિએક્ટર પહોંચાડશે. સમગ્ર રિએક્ટર કોર અને કેટલાક રિઝર્વ ઇંધણ પહોંચાડવા માટે રશિયાથી કુલ સાત ફ્લાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શિપમેન્ટ 2024માં કરાયેલા કરાર હેઠળ કરવામાં આવી રહ્યા છે, જેમાં કુડનકુલમ પ્લાન્ટ ખાતે ત્રીજા અને ચોથા વીવીઈઆર -1000 રિએક્ટર માટે ઇંધણ પુરવઠો, પ્રારંભિક લોડિંગથી લઈને તેમના સમગ્ર સર્વિસ સુધીનો સમાવેશ થાય છે.
કુડનકુલમ પ્લાન્ટમાં છ વીવીઈઆર-1000 રિએક્ટર હશે જેની કુલ સ્થાપિત ક્ષમતા 6,000 મેગાવોટ હશે. કુડનકુલમ ખાતેના પહેલા બે રિએક્ટર અનુક્રમે 2013 અને 2016માં ભારતના પાવર ગ્રીડ સાથે જોડાયેલા હતા. બાકીના ચાર રિએક્ટર હાલમાં નિર્માણાધીન છે.
રોસાટોમે જણાવ્યું હતું કે કુડનકુલમ પ્લાન્ટના પ્રથમ તબક્કામાં આ બે રિએક્ટરના સંચાલન દરમિયાન, રશિયન અને ભારતીય ઇજનેરોએ એડવાન્સ્ડ ન્યુક્લિયર ઈંધણ અને એક્સટેન્ડેડ ફ્યુઅલ સાયકલ રજૂ કરીને તેમની કાર્યક્ષમતા વધારવા માટે વ્યાપકપણે કામ કર્યું છે.



