
નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે આવ્યા છે. આજે તેમના માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક ભારતીય નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, આ નેતાઓમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તથા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેમની જ પાર્ટીના નેતા શશિ થરૂરને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેથી કૉંગ્રેસે કેન્દ્ર સરકારને આડેહાથ લીધી હતી.
આ પ્રથા છેલ્લા કેટલાક વર્ષોથી બંધ થઈ ગઈ છે
કૉંગ્રેસના પવન ખેડાએ કહ્યું છે કે, કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીને કોઈ આમંત્રણ નથી મળ્યું. આ આશ્ચર્યની વાત છે, પરંતુ આપણને આશ્ચર્ય ન થવું જોઈએ. કારણ કે આ સરકાર તમામ પ્રોટોકોલ તોડવા માટે ટેવાયેલી છે. કૉંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક્સ પર લખ્યું કે, લોકસભામાં વિપક્ષના નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતાને રાષ્ટ્રપતિ પુતિનના સન્માનમાં યોજાયેલા ડિનરમાં બોલાવવામાં આવ્યા છે, એવી અટકળો વહેતી થઈ છે. બંને વિપક્ષના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
રાષ્ટ્રપતિ ભવન તરફથી મળેલા આમંત્રણને લઈને શશિ થરૂરે જણાવ્યું કે, “એક સમય હતો, જ્યારે વિદેશી બાબતોની સમિતિના અધ્યક્ષ તરીકે નિયમિતપણે આમંત્રણ આવતું હતું, પરંતુ આ પ્રથા છેલ્લા કેટલાક વર્ષોથી બંધ થઈ ગઈ છે. સંસદની વિદેશી બાબતોની સ્થાયી સમિતિના અધ્યક્ષે કહ્યું કે, આ ફરીથી શરૂ થઈ ગઈ છે…મને આમંત્રણ આપવામાં આવ્યું છે. હું ચોક્કસ જઈશ.
થરૂરે અંતરાત્માનો અવાજ સાંભળવો જોઈએ
વિપક્ષના નેતાઓને આમંત્રણ ન આપવા અંગે શશિ થરૂરે જણાવ્યું કે, “હું નથી જાણતો કે, આમંત્રણ કયા આધારે આપવામાં આવ્યું છે. મને લાગે છે કે સામાન્ય રીતે જે પ્રથા અપનાવવામાં આવતી હતી, તે બહોળા પ્રતિનિધિત્વ માટે હતી. ચોક્કસપણે મને યાદ છે કે, જૂના દિવસોમાં ન માત્ર વિપક્ષના નેતાને, પરંતુ ઘણી પાર્ટીઓના પ્રતિનિધિઓને પણ આમંત્રણ આપવામાં આવતું હતું. તેનાથી સારો પ્રભાવ પડે છે. મને આમંત્રણનો આધાર ખબર નથી, આ બધું સરકાર, પ્રોટોકોલ અને રાષ્ટ્રપતિભવન કરે છે. મને શું ખબર? હું બસ એટલું કહીં શકું છું કે, મને આમંત્રણ મળવા પર ગર્વ છે. બેશક હું જઈશ.”
શશિ થરૂરને અપાયેલા આમંત્રણ અંગે જયરામ રમેશે કહ્યું કે, આ આશ્ચર્યની વાત છે કે, આમંત્રણ મોકલવામાં આવ્યું છે અને તેને સ્વીકારવામાં પણ આવ્યું છે. દરેકના અંતરઆત્માનો એક અવાજ હોય છે. જ્યારે મારા નેતાઓને આમંત્રણ નથી આપવામાં આવ્યું, પરંતુ મને આપવામાં આવ્યું છે. તો આપણે આપણે સમજી જવું જોઈએ કે, આ રમત કેમ રમાઈ રહી છે? કોણ રમત રમત કોણ રમી રહ્યું છે અને આપણે તેનો ભાગ કેમ ન બનવું જોઈએ? આપણે આપણા અંતરાત્માનો અવાજ સાંભળવો જોઈતો હતો.
વિદેશી મહેમાનો વિપક્ષના નેતાને મળે છે
રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, “સરકાર પોતાની અસુરક્ષાને કારણે વિદેશી મહેમાનોને વિપક્ષના નેતા સાથે મળવા દેતી નથી. એક પરંપરા છે કે, વિદેશી મહેમાનો વિપક્ષના નેતાને મળે છે. અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહના સમયથી આ પરંપરાનું પાલન કરવામાં આવે છે. પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલય આ નિયમનું પાલન કરી રહ્યું નથી. વિપક્ષના નેતા પોતાનો આગવો દૃષ્ટિકોણ રજૂ કરે છે. માત્ર સરકાર જ નહીં, અમે પણ ભારતનું પ્રતિનિધિત્વ કરીએ છીએ.”
આ પણ વાંચો…પુતિનની મુલાકાત વચ્ચે રશિયાએ તમિલનાડુના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં પહોંચાડ્યું ન્યૂક્લિયર ફ્યુઅલ…



