
નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું ભારતમાં આગમન થઈ ચૂક્યું છે. પાલમ એરપોર્ટ પર વ્લાદિમીર પુતિનનું વિમાન લેન્ડ થતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેઓને રિસિવ કરવા પહોંચ્યા હતા. ખાસ વાત તો એ છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડીને વ્લાદિમીર પુતિનને રિસિવ કર્યાં હતા. આ સિવાય પાલમ એરપોર્ટ પર બીજા પણ કેટલાક ખાસ આકર્ષણો જોવા મળ્યા હતા.
શાસ્ત્રીય નૃત્ય સાથે થયું પુતિનનું સ્વાગત
પાલમ એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્લાદિમીર પુતિનનું શાનદાર સ્વાગત કર્યું હતું. પુતિનના વિમાન પાસે રેડ કાર્પેટ પાથરવામાં આવ્યું હતું. રશિયન રાષ્ટ્રપતિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને SPGના જવાનો અને અધિકારીઓ પણ એરપોર્ટ પર હાજર થઈ ગયા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિમાન પાસે પહોંચ્યા ત્યારબાદ પુતિન વિમાનમાંથી બહાર નીકળ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુતિનને ઉમળકાભેર ગળે ભેટ્યા હતા. ત્યારબાદ બંનેએ હાથ મિલાવ્યો હતો. પુતિને એરપોર્ટ પર હાજર અધિકારીઓ સાથે મુલાકત કરી હતી.
આ પણ વાંચો : પુતિનની ભારત યાત્રા: ક્રેમલિને શેર કરી PM મોદી અને પુતિનની 24 વર્ષ જૂની ખાસ તસવીર
એરપોર્ટ પર પુતિનના સ્વાગત માટે શાસ્ત્રીય નૃત્યનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેને નિહાળ્યા બાદ વડા પ્રધાન મોદી અને વ્લાદિમીર પુતિન એક જ કારમાં બેસીને રવાના થયા હતા.
આ પણ વાંચો : પુતિને PM મોદીના વખાણ કરીને કહ્યું મોદી દબાણ સામે ઝૂકનારા નેતા નથી…
ફોર્ચ્યુનરમાં બેસીને બંને નેતાઓ રવાના થયા
ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિને સફેદ રંગની ટોયોટા ફોર્ચ્યુનર ગાડીમાં બેસાડીને રવાના થયા હતા. આ કાર ફોર્ચ્યુનરના Sigma 4 Mt મોડલની હતી. જેનો નંબર મહારાષ્ટ્રના પાર્સિંગનો હતો. કારનો નંબર MH01EN5795 હતો.



