
બિલાસપુર: હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં ‘પુષ્પા’ સ્ટાઈલમાં ગો-તસ્કરીનો એક ચોંકાવનારો મામલો જાણવા મળ્યો છે. પંજાબ સરહદ નજીક એક ઓઈલ ટેન્કરમાં ગાય અને બળદોના ઠાંસીને લઈ જવામાં આવતા હતા.
રાજ્ય પોલીસ અને સ્વારઘાટ વિસ્તારમાં આબકારી વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન દરમિયાન આ ગેરકાયદે પ્રવૃતિનો પર્દાફાશ થયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આપણ વાંચો: ગોહત્યા અને તસ્કરીના વારંવારના અપરાધીઓ સામે એમસીઓસીએ લાગુ કરવામાં આવશે: દેવેન્દ્ર ફડણવીસ…
સૂત્રોની જાણકારી પ્રમાણે બિલાસપુરના સ્વારઘાટમાં આરટીઓ બેરિયર પર વાહનોની તપાસ દરમિયાન આબકારી વિભાગ અને પોલીસને એક ઓઇલ ટેન્કરમાંથી ગાયોના અવાજ સંભળાતા હતા.
અવાજ સાંભળ્યા બાદ વાહનને શંકાના દાયરામાં લઈ તેની તપાસ હાથ ધરવામાં આવી. ટેન્કર ખોલતાં તેમાં એક મૃત બળદ સહિત ત્રણ ગાય અને પાંચ બળદ મળ્યા હતા. તપાસ દરમિયાન ટેન્કરચાલક અને તેનો સાથી પોલીસના નાક નીચેથી ભાગી ગયા હતા. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે અહેવાલો પ્રમાણે આ ઓઇલ ટેન્કર પંજાબથી હિમાચલ તરફ આવી રહ્યું હતું. ટ્રકમાંથી મળેલા જીવિત ગોવંશની આરોગ્ય તપાસ કરાવીને તેમને સ્થાનિક ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ટેન્કર હરિયાણાનું છે અને પોલીસે તેના માલિકની ઓળખ કરી લીધી છે.
સ્વારઘાટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આ કેસની ગંભીરતા લઈ વધુ તપાસ ચાલુ છે, અને ફરાર આરોપીઓને પકડવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. સ્થાનિક ધારાસભ્ય રણધીર શર્માએ આ ઘટનાને દુ:ખદ ગણાવી અને કહ્યું કે ગોવંશની સુરક્ષા માટે કડક પગલાં લેવા જોઈએ.
આ ઘટનાએ સ્થાનિક લોકોમાં રોષ ફેલાવ્યો છે, અને ગો-તસ્કરીના આ અનોખા પેતરાને ‘પુષ્પા સ્ટાઇલ’ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. ધારાસભ્ય રણધીર શર્માએ ગોવંશની સુરક્ષા માટે સ્થાનિક ગૌશાળામાં તેમની સંભાળની વ્યવસ્થા કરવાની પુષ્ટિ કરી. પોલીસે આ મામલે કેસ નોંધીને આરોપીઓની ધરપકડ માટે તપાસ તેજ કરી છે, જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં નિવારી શકાય.