રેવાળ ચાલ, 65 ઈંચની કાયા અને કિંમત એક કરોડ! જુઓ પુષ્કર મેળાની ‘નગીના બધા ઘોડા ફિક્કા!

અજમેર: રાજસ્થાનનો વિશ્વ પ્રસિદ્ધ પુષ્કરનો મેળો ફરી એકવખત તેની રોનકને કારણે ચર્ચામાં છે. મેળાનું આ વખતનું સૌથી મોટું આકર્ષણ છે એક કરોડની ઘોડી નગીના, જે પંજાબની ચાર મોટી સ્પર્ધાઓના વિજેતા અને પ્રસિદ્ધ ઘોડા દિલબાગની દીકરી છે. મેળાને માણવા આવનારા લોકોની ભીડ તેની એક ઝલક માટે એકઠી થઈ રહી છે. નગીનાની ચમકદાર કાયા અને રેવાળ ચાલ જોઇને દર્શક અભિભૂત થઈ ગયા હતા.
આ વર્ષે પુષ્કરના મેળામાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી અનેક નામી ઘોડાઓ અને ઊંટ પહોંચ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પશુપાલકો અને આવનારા લોકો માટે વિશેષ ટેન્ટ સુવિધા વિકસાવી છે. મેળામાં ઊંટોનો શણગાર અને ઘોડાઓની સુંદરતા જોઇને કોઇ પણનું મન મોહી ઉઠે છે. નગીનાની કદ-કાઠી જોવાલાયક છે.
આપણ વાંચો: વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાના સૂર્યમંદિર ખાતે બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે, જાણો મહત્વ
65 ઇંચ ઊંચી, સુડોળ શરીર અને તેજ ચાલ, જાણે રેતી પર હવાની સાથે દોડી રહી હોય. આ જ કારણ છે કે અત્યાર સુધીમાં આ ઘોડીની કિંમત એક કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ઘણા વેપારીઓએ તેને ખરીદવાની ઓફર કરી, પરંતુ નગીનાના માલિક માટે તે માત્ર એક ઘોડી જ નહીં, પરંતુ “ઘરની શાન અને પરિવારનો સભ્ય” છે.

પુષ્કર મેળો માત્ર વેપારનું કેન્દ્ર નથી, પરંતુ સાંસ્કૃતિક અને પરંપરાગત વારસાનું પ્રતીક પણ છે. આ દરમિયાન પશુપાલકો પોતાના ઘોડાઓની તાકાત અને સુંદરતા પ્રદર્શિત કરી રહ્યા છે. નગીના જેવી શાહી ઘોડી આ મેળામાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે, અને મેળામાં આવતા પર્યટકો તેની એક ઝલક જોવા માટે ઉત્સુક છે.
જણાવી દઈએ કે પુષ્કર મેળો 2025ની શરૂઆત બુધવારથી થઈ ચૂકી છે. જોકે તેનો વિધિવત પ્રારંભ અને સમારોહ 30 ઓક્ટોબરે મુખ્યમંત્રી ભજનલાલ શર્માની ઉપસ્થિતિમાં થવાનો હોવાનું કહેવાય છે. આ મેળો આવતા મહિને એટલે કે નવેમ્બરની 6 તારીખ સુધી ચાલશે. રેતાળ ઢોળાવોમાં ઊંટોની સાથે ઘોડાઓનું આગમન ચાલુ છે.



