પુરુષોત્તમ એક્સપ્રેસમાં બોમ્બની અફવાને કારણે ટ્રેન ત્રણ કલાક અટકાવી…

નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં વધતા અકસ્માતોની સાથે ટ્રેનોને ઉથલાવવાના કિસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે આજે પુરુષોત્તમ એક્સપ્રેસમાં બોમ્બની અફવાને કારણે ટ્રેનને કલાકો સુધી રોકી દેવાની નોબત આવી હતી.
રેલવે અધિકારીઓને શંકાસ્પદ આતંકવાદીઓ વિસ્ફોટકો સાથે મુસાફરી કરી રહ્યા હોવાની માહિતી મળ્યા બાદ આજે વહેલી સવારે પુરી-નવી દિલ્હી પુરુષોત્તમ એક્સપ્રેસને ઉત્તર પ્રદેશના ટુંડલા સ્ટેશન પર ત્રણ કલાક કરતાં વધુ સમય માટે રોકી દેવામાં આવી હતી.
આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે એક્સ યુઝર પાસેથી મળેલી બાતમી ખોટી નીકળી હતી. કારણ કે રાત્રિના ૨-૩૦ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરવામાં આવેલી ઊંડી તપાસ બાદ પણ કંઇ જ શંકાસ્પદ મળ્યું નહોતું.
આ પણ વાંચો : ભારતના સ્ટેશનોમાં અલગ ભાત પાડતું મોરબી રેલવે સ્ટેશન
પ્રયાગરાજ રેલ ડિવિઝનના એક રેલવે અધિકારીએ જણાવ્યું કે અમને એક્સ હેન્ડલ પરથી માહિતી મળી હતી કે કેટલાક શંકાસ્પદ આતંકવાદીઓ વિસ્ફોટકો સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે, જેને તેઓ એર ઇન્ડિયાની દિલ્હી-લેહ ફ્લાઇટમાં પ્લાન્ટ કરવાના છે. અમે કાર્યવાહી શરૂ કરી હતી, પરંતુ આ બાતમી ખોટી નીકળી હતી.
અધિકારીએ જણાવ્યું કે રાત્રે લગભગ ૨-૩૦ વાગ્યે તમામ કોચમાં સૂતેલા મુસાફરોને જગાડ્યા હતા અને તેમના સામાનની મેટલ ડિટેક્ટર અને ડોગ સ્ક્વોડની મદદથી ઊંડી અને ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઇ મળ્યું નહોતું.