પુરીમાં જગન્નાથની યાત્રા વખતે ભાગદોડ, અનેક લોકો ઘવાયા

પુરી: ઓડિશામાં જગન્નાથની યાત્રા વખતે થયેલી ભાગદોડમાં અનેક લોકો ઘવાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. અહીંના જિલ્લામાં જગન્નાથ પુરીની યાત્રામાં લાખો લોકોએ ભાગ લીધો હતો, જેમાં અચાનક ભાગદોડ થઈ હતી. આ બનાવમાં અનેક લોકોને ઇજા પહોંચી હતી. આ બનાવ પછી ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ભાગદોડમાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું જણાવાયું છે.
પુરીમાં 53 વર્ષ પછી આજથી બે દિવસ માટે ભગવાન જગન્નાથની યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં ઓડિશા સહિત દેશના અનેક રાજ્યના લોકોએ આવ્યા હતા. ઉપરાંત, વિદેશી લોકો પણ પુરી પહોંચ્યા છે. પુરીમાં 1971થી ફક્ત એક દિવસ માટે યાત્રાનું આયોજન કરવામાં આવતું હતું.
આ પણ વાંચો: જગન્નાથ પુરીની ચંદન યાત્રામાં ફટાકડાને લીધે થયો વિસ્ફોટને કારણે 15 જણ દાઝ્યા
બલભદ્રનો રથ ખેંચતી વખતે ભાગદોડ થઈ હતી અને એમાં અમુક લોકો રસ્તામાં પડી ગયા હતા. આ બનાવમાં એક ભક્તનું મોત થયું છે. બલભદ્રનો રથ ખેંચતી વખતે ભાગદોડ થઈ હતી, જેમાં એક ભકતને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે મોત થયું હતું. ઉપરાંત, સેંકડો લોકોને ઇજા પહોંચી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અમુક લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી, જેમાં પ્રાથમિક સારવાર આપ્યા પછી ઘરે જવાની રજા આપી હતી.
હિંદુ ધર્મની માન્યતા અનુસાર પુરીની રથયાત્રામાં ભાગ લેનારા ભક્તને 100 યજ્ઞમાં ભાગ લેવા બરાબર જેટલું પુણ્ય મળે છે.
અહીં એ જણાવવાનું કે ગયા સપ્તાહે ઉત્તર પ્રદેશના હાથરસમાં ભાગદોડમાં 121 લોકોના મોત થયા હતા, જ્યારે સેંકડો લોકોને ઇજા પહોંચી હતી.