રથયાત્રા દરમિયાન અહીં અચૂક રોકાય છે ભગવાન જગન્નાથનો રથ, જાણો કોનું છે આ મંદિર...

રથયાત્રા દરમિયાન અહીં અચૂક રોકાય છે ભગવાન જગન્નાથનો રથ, જાણો કોનું છે આ મંદિર…

જગન્નાથપુરી: દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રા કરવા માટે નીકળે છે. ઓરિસ્સાના જગન્નાથપુરીમાં ભારતની સૌથી મોટી રથયાત્રા નિકળે છે. રથયાત્રા દરમિયાન કેટલીક પરંપરાઓનું અનુસરણ કરવામાં આવે છે. અર્ધશોશિની દેવીના મંદિર આગળ ભગવાનનો રથ રોકવો એ પણ આવી પરંપરાઓ પૈકીની એક પરંપરા છે. આવો આ પરંપરા વિશે જાણીએ.

ભગવાન જગન્નાથના માસી છે અર્ધશોશિની દેવી
જગન્નાથપુરીના ગ્રાંડ રોડ પર દેવી અર્ધશોશિની દેવીનું મંદિર આવેલું છે. આ મંદિર કેસરી વંશના રાજાઓના સમયમાં બંધાવવામાં આવ્યું હતું. આ મંદિર માસી મા મંદિર તરીકે ઓળખાય છે. કારણ કે દેવી અર્ધશોશિનીને ભગવાન જગન્નાથના માસી ગણવામાં આવે છે. રથયાત્રાના દિવસે જ્યારે ભગવાન ગુંડીચા મંદિર તરફ જઈ રહ્યા હોય છે, ત્યારે તેમનો રથ થોડી વાર માટે તેમના માસી માના મંદિર પાસે થોડીવાર માટે રોકાય છે. પરંતુ બાહુડા યાત્રા એટલે દસ દિવસ બાદ જ્યારે ભગવાન જગન્નાથ પોતાના શ્રીમંદિરમાં પાછા ફરતા હોય છે ત્યારે તેઓ માસી માના મંદિરે રોકાય છે.

Temple of Goddess Ardhashoshini Devi Jagannathpuri

માસી માના મંદિરમાં ભગવાન જગન્નાથ પોતાના માસી દેવી અર્ધશોશિનીના હાથે બનાવેલો ‘પોડા પીઠા’નો ભોગ આરોગે છે. પોડા પીઠા બનાવવા માટે પીઠામાં પનીર, ચોખાનો લોટ, મેંદો, ઘી, કિશમિશ, બદામ, કપૂર, તજ અને લવિંગ જેવી વસ્તુઓ ભેળવવામાં આવે છે. આ ભોગ ભગવાનને ખૂબ પસંદ છે. તેથી પોડા પીઠા આરોગ્યા બાદ જ ભગવાનનો રથ આગળ વધે છે.

દેવી અર્ધશોશિનીની પૌરાણિક માન્યતા
દેવી અર્ધશોશિની ભગવાન જગન્નાથના બહેન સુભદ્રા જેવા દેખાય છે. પૌરાણિક માન્યતા અનુસાર વર્ષો પહેલા ગ્રેંડ રોડ ખાતે માલિની નદી બે ફાટામાં વિભાજીત થતી હતી. તેથી રથયાત્રા દરમિયાન ભગવાનને નાવડીમાં બેસાડીને નદી પાર કરાવવામાં આવતી હતી. દેવી અર્ધશોશિનીએ માલિની નદીના પાણીને પોતાનામાં સમાવીને આ મુશ્કેલીનો અંત આણ્યો હતો. તેથી ભગવાન જગન્નાથ બાહુડા યાત્રા દરમિયાન માસી માના મંદિરે રોકાય છે અને પોડા પીઠા જમે છે.

આપણ વાંચો : આસ્થાની અપૂર્વ યાત્રા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button