પંજાબના ખાલિસ્તાન તરફી સાંસદ અમૃતપાલ સિંહનો ભાઈ ડ્રગ્સ સાથે પકડાયો
જલંધર: ખાલિસ્તાન સમર્થક જેલમાં બંધ અમૃતપાલ સિંહ (Amritpal Singh) સાંસદ તરીકે ચૂંટાઈ આવતા રાજકારણ ગરમાયું છે. અમૃતપાલ સિંહ સામે હિંસા અને દેશ વિરુદ્ધ પ્રવૃતિઓના કેસ નોંધાયેલા છે ત્યારે પંજાબ પોલીસે તેના ભાઈને ડ્રગ્સ મામલે ધરપકડ કરી છે.
પંજાબના જાલંધર(Jalandhar)ની ગ્રામીણ પોલીસ અમૃતપાલ સિંહના ભાઈ હરપ્રીત સિંહ(Harpreet Singh)ની ધરપકડ કરી છે. હરપ્રીત સિંહ પાસેથી આઈસ ડ્રગ્સ(ICE Drugs) મળી આવ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે પોલીસે હરપ્રીત સિંહ પાસેથી લગભગ 5 ગ્રામ આઈસ ડ્રગ્સ જપ્ત કર્યું છે. જલંધર ગ્રામીણ પોલીસના SSP અંકુર ગુપ્તાએ પણ હરપ્રીત સિંહની ધરપકડની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું- ટૂંક સમયમાં અમે મીડિયા સાથે વધુ માહિતી શેર કરીશું.
જલંધર ગ્રામીણ પોલીસ પોલીસ SSP અંકુર ગુપ્તાએ કહ્યું- અમે હરપ્રીતની ધરપકડ કરી લીધી છે. ટૂંક સમયમાં અમે તમારી સાથે આ વિશે વધુ માહિતી શેર કરીશું. તેણે કહ્યું કે અમે હરપ્રીત પાસેથી ડ્રગ્સ મળી આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસે હરપ્રીત સિંહની જલંધરના ફિલૌરથી ધરપકડ કરી છે. હરપ્રીત નશાની હાલતમાં હતો કે નહીં તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
જેલમાં રહેલા અમૃતપાલ સિંહે શ્રી ખડુર સાહિબ લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. અમૃતપાલ સિંહે કોંગ્રેસના કુલદીપ સિંહ ઝીરાને 1,97,120 મતોથી હરાવ્યા હતા. અમૃતપાલે 5 જુલાઈએ સાંસદ તરીકે શપથ લીધા હતા.
શપથગ્રહણ માટે અમૃતપાલને આસામની ડિબ્રુગઢ જેલમાંથી દિલ્હીમાં સંસદ ભવનમાં લાવવામાં આવ્યો હતો. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સાંસદ તરીકે શપથ લેવડાવ્યા હતા.
Also Read –