
ચંડીગઢઃ પંજાબ પોલીસ ગેંગસ્ટરો પર કાર્યવાહી કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. મળતી માહિતી મુજબ, પંજાબ પોલીસ ખતરનાક ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સાથે જોડાયેલા ગુનેગારોને પકડવા માટે ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. સવારે સાત વાગ્યાની આસપાસ શરૂ થયેલું વિશેષ અભિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં ચલાવવામાં આવી રહ્યું હોવાના સમાચાર જાણવા મળ્યા છે.
સૂત્રોએ જણાવ્યું કે વરિષ્ઠ અધિકારીઓ સહિત અનેક પોલીસ ટીમો આ ઓપરેશનનો ભાગ છે. આજે કેનેડામાં માર્યા ગયેલા ગેંગસ્ટર સુખાના મોગા ખાતેના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ સાથે પંજાબના મોગા, ફિરોઝપુર, તરનતારન અને અમૃતસર ગ્રામીણમાં પોલીસના દરોડા ચાલુ છે અને ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના નજીકના લોકોને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ગોલ્ડી બ્રાર ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાનો મુખ્ય આરોપી છે. માનસા જિલ્લામાં સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોલ્ડી બ્રાર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય છે.