નેશનલ

પંજાબ પોલીસે બે પાકિસ્તાની જાસૂસોને ઝડપ્યા, સેનાની ગુપ્ત માહિતી લીક હતા કરતાં હોવાનો આરોપ

અમૃતસર: અમૃતસરમાં પોલીસે એક મોટા જાસૂસી કાંડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે બે જાસૂસોની ધરપકડ કરી છે, જે પાકિસ્તાન માટે કામ કરી રહ્યા હતા. આરોપીઓ પર ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ છે. આ બંનેના તાર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે પણ જોડાયેલા માનવામાં આવે છે. બંનેની ઓળખ પલક શેર મસીહ અને સુરજ મસીહ તરીકે થઈ છે.

સેનાની માહિતી મોકલી રહ્યા હતા પાકિસ્તાન

આ અંગે પંજાબ પોલીસે માહિતી આપી હતી. પંજાબ ડીજીપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવતા કહયું હતું કે એક મહત્વપૂર્ણ જાસૂસી વિરોધી અભિયાન હેઠળ, અમૃતસર ગ્રામીણ પોલીસે બે વ્યક્તિઓ પલક શેર મસીહ અને સુરજ મસીહની ધરપકડ કરી છે. બંને આરોપી અમૃતસરમાં સેનાની છાવણી વિસ્તારો અને વાયુસેનાના ઠેકાણાઓની સંવેદનશીલ માહિતી અને તસવીરો પાકિસ્તાનને મોકલી રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેમના પાકિસ્તાની ગુપ્તચર એજન્ટો સાથે સંબંધો છે, જે હરપ્રીત સિંહ ઉર્ફે પિટ્ટુ ઉર્ફે હેપ્પી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા. હરપ્રીત સિંહ ઉર્ફે પિટ્ટુ હાલમાં અમૃતસર સેન્ટ્રલ જેલમાં બંધ છે.

પોલીસ કરી રહી છે બંનેની તપાસ

આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, “હાલમાં ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન વધુ મહત્વપૂર્ણ ખુલાસા થવાની સંભાવના છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, પંજાબ પોલીસ ભારતીય સેના સાથે મજબૂતીથી ઊભી છે અને રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવાના પોતાના કર્તવ્યમાં અડગ છે. અમારા સશસ્ત્ર દળોની સુરક્ષાને નબળી પાડવાના કોઈપણ પ્રયાસનો મક્કમતાથી અને તાત્કાલિક જવાબ આપવામાં આવશે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button