પંજાબ સરકારની પૂર પીડિત ખેડૂતો માટે મોટી જાહેરાત: ભગવંત માન હોસ્પિટલમાંથી કેબિનેટ બેઠકમાં જોડાયા

ચંડીગઢ: પંજાબમાં અત્યારે પૂરના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. સ્થાનિકોના ઘરબાર તૂટી જવાની સાથે ખેડૂતોની હાલત તો કફોડી થઈ ગઈ છે. આ દરમિયાન પંજાબ સરકારે પૂરથી પ્રભાવિત ખેડૂતોને પ્રતિ એક એકર જમીને 20,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. પૂરના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન આવ્યું છે, જેમાં સમગ્ર પાકને નુકસાન થયું છે, જેથી આ સહાય તેમના માટે અતિ મહત્વની સાબિત થઈ શકે તેમ છે.
આજે પંજાબ સરકારની કેબિનેટ બેઠક મળી હતી, જેમાં સીએમ માન હોસ્પિટલમાંથી જોડાયા હતા. આ દરમિયાન મોટી સહાયની જાહેરાત કરવામાં આવી છે.
આપણ વાંચો: કેવી રીતે પંજાબમાં પૂર આવ્યું? પંજાબના 1900 ગામડાંઓ પૂરથી પ્રભાવિત, સરકારે શું કર્યું?
પંજાબ સરકારની આ ‘જેનું ખેતર, તેની રેત’ યોજના શું છે?
મહત્વની વાત એ છે કે, સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે પૂરના કારણે જે રેત ખેતરોમાં આવી છે તેનું ખેડૂતો વેચાણ કરી શકશે. પંજાબ સરકારે આ કેબિનેટ બેઠકમાં ‘જેનું ખેતર, તેની રેત’ યોજનાને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે.
ખેડૂતોને પૂરગ્રસ્ત વિસ્તારોમાં ખનન કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા એક્સ પર પોસ્ટ કરીને સમગ્ર વિગતો શેર કરી છે. પ્રતિ એકર 20,000 રૂપિયા અને ખેતરમાં આવેલી રેતનું વેચાણ! આ બંનેના કારણે પંજાબના ખેડૂતોને મોટો ફાયદો થશે તેવું સરકારે કહ્યું છે.
આપણ વાંચો: પંજાબમાં 1988 પછીનું સૌથી ભયાનક પૂર, ચોતરફા વિનાશના દ્રશ્યો સર્જાયા
કેબિનેટની બેઠકમાં કેવા નિર્ણય લેવામાં આવ્યાં?
- પૂરના કારણે આવેલી રેત માટે સરકારે ‘જેનું ખેતર, તેની રેત’ યોજના શરૂ કરી
- ખેડૂતો ખેતરમાંથી રેતને હટાવી શકશે અને તેને વેચી પણ શકશે
- પ્રતિ એકરે રાજ્ય સરકાર 20 હજારની સહાય આપશે
- મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપવામાં આવશે
- જેના ઘર પડી ગયા છે, તેમાં સર્વે કર્યા બાદ સહાય આપવામાં આવશે
- પૂરગ્રસ્ત ખેડૂતોએ જે લોન લીધી છે તેના હપ્તામાંથી 6 મહિનાની રાહત આપી
- પૂરમાં જેમના પશુઓના મોત થયા છે તેમને પણ સહાય મળશે
- બિમારીના ફેલાય તે માટે વેક્સિનેશન કરવામાં આવશે
- દરેક ગામના દવાખાનામાં સારવાર માટે ડૉક્ટર આવશે
- શહેર અને ગામડાંઓમાં સફાઇ અભિયાન શરૂ કરાશે
- પૂરના કારણે શાળાની ઇમારતો અને ગ્રીડને થયેલા નુકસાનનો સર્વે થશે