પંજાબના CM ભગવંત માનની તબિયત લથડી, મોહાલીની હોસ્પિટલમાં દાખલ

મોહાલી: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત લથડતાં તેમને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને છેલ્લા બે દિવસથી વાયરલ તાવ અને પાચન સંબંધિત સમસ્યાઓ હતી. દવાઓ લીધા છતાં તબિયતમાં સુધારો ન થતાં અને બ્લડ પ્રેશરમાં વધઘટ થતાં આ પગલું ભરવું પડ્યું.
પલ્સ રેટમાં થયો સુધારો
ફોર્ટિસ હોસ્પિટલે એક નિવેદનમાં મીડિયાને જણાવ્યું કે, “મુખ્યમંત્રી ભગવંત માનને થાક અને ધબકારા ઓછા થવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમની તપાસ કરવામાં આવી છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર છે. તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમના પલ્સ રેટમાં પણ સુધારો થયો છે.”
મુખ્યમંત્રીની તબિયત બગડવાને કારણે શુક્રવારે ચંદીગઢમાં યોજાનારી પંજાબ કેબિનેટની બેઠક મુલતવી રાખવામાં આવી છે. આ બેઠકમાં રાજ્યમાં ચાલી રહેલા પૂર રાહત અને બચાવ કાર્યની સમીક્ષા થવાની હતી. આ ઉપરાંત, તેઓ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના હતા, પરંતુ ખરાબ તબિયતને કારણે જઈ શક્યા ન હતા.
ઉલ્લેખનીય છે કે, પંજાબ હાલમાં ગંભીર પૂરનો સામનો કરી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 43 લોકોના મૃત્યુ થયા છે અને 1.71 લાખ હેક્ટર ખેતીલાયક જમીનને નુકસાન થયું છે. અરવિંદ કેજરીવાલે ગુરુવારે મુખ્યમંત્રી માનના નિવાસસ્થાને જઈને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી.