
મુંબઈ: જાહેર ક્ષેત્રની કંપની NBCC (ઈન્ડિયા) લિમિટેડના શેર ધારકો માટે ખુશીના સમાચાર છે. કંપનીએ શનિવારે શેર ધારકોને બોનસ શેર (Bonus Share) આપવાની જાહેરાત કરી હતી. કંપનીએ જણાયું કે બોર્ડે પાત્ર શેરધારકોને 1:2 ના ગુણોત્તરમાં બોનસ શેર આપવા માટે મંજૂરી આપી છે. કંપની આ માટે 90 કરોડ રૂપિયાના ફ્રી રિઝર્વનો ઉપયોગ કરશે.
NBCCએ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું કે બોર્ડે બોનસ શેર આપવા અને રેકોર્ડ ડેટ નક્કી કરવાની મંજૂરી આપી દીધી છે. કંપનીએ જણાવ્યું કે “બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપનીના શેરધારકોને 1:2 ના ગુણોત્તરમાં બોનસ શેર ઇશ્યૂ કરવાની ભલામણ કરી છે, એટલે કે રેકોર્ડ તારીખે પાત્ર શેર ધારકોને દરેક બે શેર્સ માટે એક વધારાનો સંપૂર્ણ પેઇડ-અપ ઇક્વિટી શેર આપવામાં આવશે.”
નોંધનીય છે કે એક વર્ષમાં NBCCના શેરોએ રોકાણકારોને 253% નું બમ્પર વળતર આપ્યું છે. એક વર્ષમાં શેરનો ભાવ રૂ. 52 થી વધીને રૂ. 186 થયો છે. કંપનીએ બોનસ શેર તરીકે 90 કરોડ શેર ઇશ્યૂ કરવાની દરખાસ્ત કરી છે. આ માટે આગામી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોની મંજૂરી લેવાની રહેશે. બોર્ડે રેકોર્ડ ડેટ તરીકે 7 ઓક્ટોબર, 2024 નક્કી કરી છે.
રીલાઈન્સે પણ કરી બોનસ શેરની જાહેરાત:
29 ઓગસ્ટ, ગુરુવારે યોજાયેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 47મી એન્યુઅલ જનરલ મીટીંગ (AGM)માં જાહેરાત કરવામાં આવી હતી કે બોનસ ઇશ્યૂ અંગે નિર્ણય લેવા માટે તેનું બોર્ડ 5 સપ્ટેમ્બરે મળશે.
માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ રીલાઈન્સ ગ્રુપ ભારતની સૌથી મોટી કંપની છે. ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે કંપની 1:1 ના રેશિયો પર બોનસ ઇશ્યૂ પર વિચાર કરી રહી છે. આગામી દિવસોમાં કંપની દ્વારા વધુ વિગતો જાહેર કરવામાં આવશે.