બળાત્કારી કુલદીપ સેંગરના જામીન સામે દિલ્હી હાઈકોર્ટ બહાર વિરોધ પ્રદર્શન;

નવી દિલ્હી: તાજેતરમાં ઉન્નાવ બળાત્કાર કેસના દોષિત ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પૂર્વ નેતા નેતા કુલદીપ સિંહ સેંગરને દિલ્હી હાઈકોર્ટે શરતી જામીન આપ્યા હતાં અને આજીવન કેદની સજાને સ્થગિત કરી હતી. ત્યાર બાદથી લોકો સોશિયલ મીડિયા પર હાઈકોર્ટ અને ભાજપ સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે, ઇન્ડિયા ગેટ પાસે વિરોધ પ્રદર્શન પણ યોજાયું હતું. આજે શુક્રવારે મહિલાઓએ દિલ્હી હાઈકોર્ટની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બળાત્કારી કુલદીપ સિંહ સેંગરને જામીન મળવા સામે બળાત્કાર પીડિતા અને તેના પરિવારે ચિંતા વ્યક્ત કરી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે તે અસુરક્ષિત અનુભવી રહી છે. તેણે કોર્ટના નિર્ણય સામે નારજગી વ્યક્ત કરી હતી. પીડિતાની માતાએ માતા જામીન સામે સખત વાંધો ઉઠાવ્યો હતો.
કુલદીપ સિંહ સેંગરને જામીન આપવાના કોર્ટના નિર્ણયનો વિરોધ કરવા મહિલાઓ દિલ્હી હાઈકોર્ટ પરિસરની બહાર એકઠી થઇ હતી અને હાથમાં પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતાં. મહિલાઓ સેંગરના જામીન રદ કરવાની માંગ કરી હતી.
વિરોધ પ્રદર્શનમાં સામેલ એક મહિલા અધિકાર કાર્યકર્તાએ જણાવ્યું કે એક બળાત્કારીની સજા રદ કરવામાં આવી છે. જે દિલ્હી કોર્ટે આ નિર્ણય કર્યો છે, જ્યાં અન્યાય થયો છે, એ જગ્યાએ જ ન્યાય માંગવા આવ્યા છીએ.
એક સમાચાર એજન્સી સાથે વાત કરતા ઉન્નાવ બળાત્કાર કેસની પીડિતાની માતા સેંગરને ફાંસીની સજાની માંગ કરી. તેમણે જણાવ્યું કે તેઓ મને સુપ્રીમ કોર્ટમાં કેસ લડતા રહેશે. સેંગરના જામીન રદ થવા જોઈએ. તેને ફાંસીની સજા થવી જોઈએ.
દિલ્હી પોલીસની ધમકી:
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વિડીયોમાં પોલીસકર્મીઓ પ્રદર્શનકારીઓને પ્રદર્શન બંધ કરવા અને જગ્યા ખાલી કરવા જણાવી રહ્યા છે. પોલીસે પ્રદર્શનકારીઓને ધમકી આપી હતી કે તેઓ પાંચ મિનિટમાં ત્યાંથી ચાલ્યા નહીં જાય તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
સગીરા પર બલાત્કાર:
વર્ષ 2017માં ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં 17 વર્ષની સગીરા પર બલાત્કાર ગુજારવામાં આવ્યો હતો ડિસેમ્બર 2019માં ભાજપ નેતા કુલદીપ સેંગરને દોષિત ઠેરવવામાં આવ્યો હતો, કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.
દિલ્હી હાઈકોર્ટે શરતી જામીન આપ્યા:
હવે દિલ્હી હાઈકોર્ટે સેંગરની આજીવન કેદની સજાને સ્થગિત કરી દીધી છે. કોર્ટે કહ્યું કે દોષિત પહેલાથી જ POCSOકાયદા હેઠળ નિર્ધારિત મહત્તમ સજા કરતાં વધુ સજા ભોગવી ચૂક્યો છે. કોર્ટે જામીન બોન્ડ માટે રૂ.15 લાખ જમા કરાવવાનો પણ આદેશ આપ્યો.
જામીન આપતી વખતે, હાઈકોર્ટે શરત મૂકી કે સેંગર દિલ્હીમાં જ રહેશે, પરંતુ પીડિતાના નિવાસસ્થાનની 5 કિલોમીટરની ત્રિજ્યામાં ન પ્રવેશ ના કરે અને પીડિતાના પરિવારના સભ્યોનો સંપર્ક ન કરે.
પીડિતાના પિતાના કસ્ટોડિયલ મૃત્યુના કેસમાં પણ સેંગર જેલમાં છે, આ કેસમાં તેને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. હજુ સુધી તેને આ કેસમાં જામીન મળ્યા નથી, માટે હાલ તે જેલમાં રહેશે.
સેંગરને શરતી જામીન મળ્યા બાદ કોર્ટે પીડિતાને સુરક્ષા પૂરી પડી છે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના 5 થી 11 કર્મચારીઓ તેની સુરક્ષામાં હાજર રહેશે.
આ પણ વાંચો…ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન સામે સુપ્રીમ કોર્ટમાં અરજી, પીડિતાએ રાહુલ ગાંધી પાસે માંગી મદદ



