કેજરીવાલની ધરપકડના વિરોધમાં I.N.D.I.A. ગઠબંધને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી

નવી દિલ્હીઃ લીકર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કર્યા પછી તેના અંગે ભારત સહિત દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. સાથે જ વિપક્ષને પણ મોટો આંચકો લાગ્યો છે ત્યારે હવે વિપક્ષી ગઠબંધન (I.N.D.I.A.) ચૂંટણી પંચ સમક્ષ પોતાની ફરિયાદ લઈને પહોચ્યું છે.
વિપક્ષી સંગઠને ચૂંટણી પંચમાં મેમોરેન્ડમ આપીને પોતાની ફરિયાદ નોંધાવી છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી છે. માત્ર ગણતરીના સપ્તાહમાં કેન્દ્ર સરકારે રાજ્યના લોકતાંત્રિક રૂપથી નિયુક્ત કરવામાં આવેલા બે મુખ્ય પ્રધાનની ધરપકડ કરી લીધી છે, જે સત્તાધારી પાર્ટીના મુખ્ય વિરોધી છે.
કોંગ્રેસના વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે આ ગેરકાયદે કાર્યવાહી કરવામાં આવી છે. વિપક્ષ એક થઈને ચૂંટણી પંચ પહોચ્યું છે. આ એક ગંભીર મુદ્દો છે. આ કોઈ વ્યક્તિ કે પાર્ટી વિશેષ નથી પણ આ મામલો ભારતના બંધારણ સાથે જોડાયેલો છે. ચૂંટણી માટે એક સમાન તકની જરુરિયાત હોય છે અને તમે એજન્સીનો દુરુપયોગ કરો તો નિષ્પક્ષ ચૂંટણી અને લોકતંત્ર પર અસર કરશે.
ખાસ કરીને અમે ચૂંટણી પંચને તેમની જવાબદારી યાદ કરાવી રહ્યા છીએ. અમે ચૂંટણી પંચને હસ્તક્ષેપ કરવા માટે એ. સ્વતંત્ર ભારતના 75 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત વર્તમાન સીએમની ધરપકડ થઈ છે. અમે વિપક્ષી નેતાઓએ કેન્દ્રીય એજન્સીના દુરુપયોગના પુરાવા આપ્યા છે.
કથિત લીકર કૌભાંડથી જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અને આપના કન્વિનર અરવિંદ કેજરીવાલની ઈડીએ ગુરુવારે ધરપકડ કરી હતી. શુક્રવારે ઈડીએ કેજરીવાલને પીએમએલએ કોર્ટમાં હાજર કરી 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી, જેમાં છ દિવસના રિમાન્ડ મળ્યા હતા.
ધરપકડના વિરોધમાં કેજરીવાલની અરજી પર સુપ્રિમ કોર્ટની વિશેષ ખંડપીઠ સમક્ષ સુનાવણી પણ થવાની હતી, પણ કેજરીવાલે પોતીની અરજી પરત લઈ લીધી છે. ઈડીએ કોર્ટમાં 28 પાનાની દલીલ આપી છે.