
નવી દિલ્હી: સંસદમાં ચોમાસુ સત્રને શરૂ થયાને પાંચ દિવસ વિતી ગયા છે. આ પાંચ દિવસમાં એકપણ મુદ્દા અંગે સરખી રીતે ચર્ચા થઈ શકી નથી. વિપક્ષના હોબાળાને કારણે અવારનવાર લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિને ગૃહને સ્થગિત કરવા મજબૂર બનવું પડ્યું છે, જેમાં આજે બંને ગૃહોને સોમવાર સુધી સ્થગિત રાખવામાં આવ્યા હતા.
બંને ગૃહ ક્યાં સુધી સ્થગિત રહેશે?
આજે વહેલી સવારથી જ વિપક્ષી નેતાઓએ SIR (Special Intensive Review)નો વિરોધ શરૂ કરી દીધો હતો. સંસદના પરિસરમાં કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ SIRને ફાડીને કચરાપેટીમાં ફેંકીને વિરોધ નોંધાવ્યો હતો. સંસદના બંને ગૃહોમાં વિપક્ષે જોરશોરથી SIRનો વિરોધ કરવામાં આવ્યો હતો.
જેથી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂઆતમાં થોડા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ વિપક્ષનો વિરોધ યથાવત રહેતા 28 જુલાઈ સોમવારના સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
આપણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ 112 પાયલટ્સે લીધી મેડિકલ રજા: સંસદમાં સામે આવી ચોંકાવનારી વાત…
વર્તમાન મતદાર યાદીની સમીક્ષા કરો
કૉંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ મીડિયાને જણાવ્યું હતું કે, “ચૂંટણી પંચ આ અંગે દરેક પરંપરા અને મિસાલની વિરૂદ્ધ જઈ રહ્યું છે, જે મતદારોની યાદી ઉપ્લબ્ધ છે. તે મતદાર યાદીનો ભાગ છે, એવા લોકોની ચકાસણી કર્યા બાદ બનાવવામાં આવી છે. જો હાલની મતદાર યાદીમાં કોઈ ખામી છે, તો તમે તેની સમીક્ષા કરી શકો છો. તમે એ નહીં કરી શકો જે હમણા કરી રહ્યા છો.”
24 કલાકમાં મતદારોની સંખ્યા કેવી રીતે વધી?
TMC સાંસદ મહઆ મોઈત્રાએ જણાવ્યું હતું કે, “ભારતના ઈતિહાસમાં આવું ક્યારેય નથી થયું. ચૂંટણી પંચ ભાજપની શાખાના રૂપમાં કામ કરી રહ્યું છે. CEC ભાજપના પ્રવક્તાની જેમ બોલે છે. 24 કલાકમાં ખોવાયેલા મતદારોની સંખ્યા 11000થી વધીને 1 લાખ કરતાંય વધી ગઈ છે. જો ગૃહ મંત્રાલય એવું કહેવા માંગે છે કે, બિહારમાં 56 લાખ ગેરકાયદેસર મતદારો છે. તો તેઓ ક્યાંથી આવ્યા?”
આપણ વાંચો: ‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે સંસદમાં 29 જુલાઈના ચર્ચાઃ PM Modi આપશે વિપક્ષના પ્રશ્નોનો જવાબ…
50 લાખ મતદારોને થશે અસર
સપાના સાંસદ ડિમ્પલ યાદવે જણાવ્યું હતું કે, “જો ચૂંટણી પંચ આ કામ કરવા ઈચ્છતું હતું તો તેણે આ કામ પહેલા કરવું જોઈતું હતું. ચૂંટણી પહેલા આવું કેમ કરવામાં આવી રહ્યું છે. લગભગ 50 લાખ મતદારો પર તેની અસર થશે અને આ પ્રક્રિયામાં કોઈ પારદર્શકતા નથી.
” આમ, વિપક્ષના દરેક નેતા SIRને લઈને પોતાની પક્ષ રજૂ કરી રહ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 29 જુલાઈ 2025ને મંગળવારના રોજ સંસદમાં ‘ઑપરેશન સિંદૂર’ અંગે ચર્ચા સત્ર યોજાવાનું છે. આ ચર્ચામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે.