નેશનલ

સંસદમાં સુરક્ષા ચૂક અને સંસદસભ્યોના સસ્પેન્શનની તપાસ કરો: શરદ પવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપીના સ્થાપક શરદ પવારે મંગળવારે રાજ્ય સભાના સભાપતિ જગદીપ ધનખડને પત્ર લખીને તાજેતરમાં સંસદમાં થયેલી સુરક્ષા ચૂક અને સંસદસભ્યોના સસ્પેન્શનમાં હસ્તક્ષેપ કરવાની માગણી કરી હતી.

પવારે પોતાના પત્રમાં લખ્યું હતું કે હું તમને વિનંતી કરું છું કે આ બંને બાબતોમાં સંસદીય પ્રક્રિયાઓ, પરંપરા અને લોકશાહી મુલ્યોના હિતમાં અને સત્યનિષ્ઠાનું જતન કરતાં યોગ્ય નિર્ણય લેવો.

લોકસભામાં 13 ડિસેમ્બરે થયેલા સ્મોક કેન્ડલના હુમલાનો ઉલ્લેખ કરતાં તેમણે લખ્યું હતું કે 2001માં સંસદ પર થયેલા હુમલાના દિવસે જ કરવામાં આવેલો આ હુમલો અત્યંત નુકસાનકારક છે. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સભ્યો સવાલ ઉપસ્થિત કરે તે સ્વાભાવિક છે. સરકારે નિવેદન તૈયાર કરીને આવું જોઈએ કે તેઓ આવી સમસ્યાના નિરાકરણ માટે શું વિચારી રહી છે. અહીં જોકે એવું જોવા મળી રહ્યું છે કે સરકાર આવું કોઈ નિવેદન આપવાથી બચી રહી છે, પરંતુ આ બનાવ માટે ખુલાસો માગવાનો પ્રયાસ કરી રહેલા સંસદસભ્યોને સસ્પેન્ડ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ ખેદજનક છે.
રાજ્ય સભાના સિનિયર સભ્ય શરદ પવારે લખ્યું હતું કે સંસદસભ્યો પાસે ખુલાસો માગવાનો અને સંસદીય વાતાવરણની સુરક્ષા માટે રજૂઆત કરવાનો કાયદેસરનો અધિકાર છે. 90થી વધુ સંસદસભ્યોને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે તે અત્યંત કમનસીબ છે.

મને એવું જાણવા મળ્યું છે કે કેટલાક લોકો વેલ (મધ્યભાગ)માં પહોંચ્યા નહોતા તેમ જ સૂત્રોચ્ચાર પણ કર્યા નહોતા. તેઓ વારંવાર સંસદની કાર્યવાહીને ખોરવી નાખવા માટે પણ જવાબદાર નહોતા આમ છતાં તેમના નામ સસ્પેન્ડ કરવામાં આવેલા સભ્યોની યાદીમાં છે, એમ પણ તેમણે લખ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button