ટીનેજ ચેસસમ્રાટ ગુકેશ પર લાખો રૂપિયાના ઇનામની વર્ષા
ચેન્નઈ: તાજેતરમાં કૅનેડાના ટૉરન્ટોમાં કૅન્ડિડેટ્સ નામની ચેસ જગતની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જીતીને ચેન્નઈ પાછા આવી ગયેલા 17 વર્ષના ડી. ગુકેશને તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને રવિવારે 75 લાખ રૂપિયાનું રોકડ ઈનામ આપ્યું છે. સીએમે શાલ ઓઢાડીને તેનું બહુમાન કર્યું હતું તેમ જ તેને તક્તીની ભેટ પણ આપી હતી. આ પ્રસંગે ગુકેશના મમ્મી-પપ્પા અને બીજા મહાનુભાવો ઉપસ્થિત હતા.
મમ્મી ડૉ. પદ્મા અને પપ્પા ડૉ. રજનીકાંત સાથે ટીનેજ ચેસ સુપરસ્ટાર ડી. ગુકેશ. (પીટીઆઇ)
ગુકેશ કૅન્ડિડેટ્સ ટૂર્નામેન્ટ જીતનારો સૌથી યુવાન ખેલાડી છે. તેને ટ્રોફી સાથે એક કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું હતું.
ગુકેશ હવે આ ટુર્નામેન્ટનો ચૅમ્પિયન બની ગયો હોવાથી 2024ના વર્ષના અંતમાં ચીનના વર્લ્ડ ચૅમ્પિયન ડિન્ગ લિરેનને વિશ્ર્વ ખિતાબ માટે પડકારશે.
તાજેતરની ચેસ સ્પર્ધા વખતે ડ્રિન્ક્સ પાર્ટી દરમ્યાન બધા ખેલાડીઓએ શેમ્પેનની મોજ માણી હતી, જ્યારે 17 વર્ષના ટીનેજર ડી. ગુકેશના હાથમાં માત્ર પાણીનો ગ્લાસ હતો. આ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. ગુકેશે આવું કરીને પૅરેન્ટ્સે આપેલા સંસ્કારની ખાતરી કરાવી હતી.
ગુકેશ આ મહિનાની શરૂઆતમાં કૅનેડા ગયો એ પહેલાં જ તામિલનાડુની સરકારે ગુકેશને કૅન્ડિડેટ્સ ટૂર્નામેન્ટ માટે તાલીમ લેવા સંબંધમાં 15 લાખ રૂપિયાની સહાયતા કરી હતી. તેણે ટૂર્નામેન્ટના નિર્ણાયક રાઉન્ડમાં ટાઇટલ માટેના ફેવરિટ હિકારુ નાકામુરા સામેની ગેમ ડ્રૉ કરી એ સાથે ગુકેશના હાઈએસ્ટ નવ પૉઇન્ટ થઈ ગયા હતા અને તે વિજેતા ઘોષિત થયો હતો.
આ પણ વાંચો: ડી. ગુકેશ… ભારતનો નવો ચેસ-નરેશ
ગુકેશ ગયા અઠવાડિયે મધરાત પછી ત્રણ વાગ્યે કૅનેડાથી ચેન્નઈ પાછો આવ્યો ત્યારે ઍરપોર્ટ પર તેના પરિવારજનો ઉપરાંત તેના અસંખ્ય ચાહકો હાજર હતા અને તેમણે ગુકેશનું શાનદાર સ્વાગત કર્યું હતું.