નવી દિલ્હી: કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભા પેટાચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે સાંસદ તરીકે શપથ લીધા (Priyanka Gandhi oath as MP) હતા. આ દરમિયાન તેમના પતિ રોબર્ટ વાડ્રા અને તેમના બાળકો પણ સંસદમાં હાજર હતા.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકસભામાં પોતાના હાથમાં બંધારણની નકલ સાથે શપથ લીધા હતા. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ પણ આવી જ રીતે શપથ લીધા હતા. જ્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા સંસદ માટે તેમના નિવાસસ્થાનેથી નીકળ્યા ત્યારે કોંગ્રેસના સમર્થકોએ તેમની કાર પર ફૂલોની વર્ષા કરી હતી.
Also read: પ્રિયંકા ગાંધીએ ચૂંટણી પ્રચારમાં મધર ટેરેસાને કર્યા યાદ, શેર કર્યો બાળપણનો કિસ્સો…
બંને ગૃહોમાં હોબાળો:
પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકસભામાં સાંસદ તરીકે શપથ લીધા બાદ, લોકસભામાં હોબાળો શરૂ થયો હતો, જેના કારણે સ્પીકર ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ અદાણી પર લાગેલા આરોપો મુદ્દે ચર્ચાની માંગ કરી હતી. આ પછી રાજ્યસભાની કાર્યવાહી પણ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
પહેલી વાર નેહરુ-ગાંધી પરિવારના ત્રણ સભ્યો સંસદમાં:
પ્રિયંકા ગાંધી વાડ્રાએ તાજેતરમાં વાયનાડ બેઠક પરથી પેટાચૂંટણી જીતી હતી. આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણી બાદ બે સીટ પરથી ચૂંટણી લડેલા રાહુલ ગાંધીએ વાયનાડ સીટ છોડી દીધી હતી, ત્યારબાદ કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને અહીંથી મેદાનમાં ઉતાર્યા હતા.
પ્રિયંકા ગાંધી વાડ્રાના સાંસદ પદના શપથ લેવાની સાથે જ પ્રથમ વખત, નેહરુ-ગાંધી પરિવારના ત્રણ સભ્યો એક સાથે સંસદમાં છે. સોનિયા ગાંધી રાજ્યસભામાં અને તેમના બંને સંતાનો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી લોકસભામાં સાંસદ છે.