ઉજ્જૈન બળાત્કારની ઘટનામાં પ્રિયંકા ગાંધીએ શિવરાજ સરકારને સાણસામાં લીધી…
નવી દિલ્હી: પ્રિયંકા ગાંધીએ ઉજ્જૈનમાં બાળકી સાથે બનેલી બળાત્કારની ઘટના માટે એક્સ પર પોસ્ટ કર્યું હતું કે ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈનમાં એક નાની બાળકી સાથે કરવામાં આવેલી ક્રૂરતા આત્માને હચમચાવી દે તેવી છે. આ ઘટના બાદ તે અઢી કલાક સુધી મદદ માટે ઘરે-ઘરે ભટકતી રહી અને પછી રસ્તા પર બેભાન થઈને પડી ગઈ પરંતુ મદદ ન મળી.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક બાળકી પર થયેલા બળાત્કારની ઘટનાને લઈને રાજ્યની ભારતીય જનતા પાર્ટી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના 20 વર્ષના કુશાસન દરમિયાન છોકરીઓ, મહિલાઓ, આદિવાસીઓ અને દલિતો સુરક્ષિત નથી. ઉજ્જૈન શહેરમાં સોમવારે એક અંદાજે 12 વર્ષની બાળકી લોહીથી લથપથ હાલતમાં મળી આવી હતી અને તબીબી તપાસમાં તેના પર બળાત્કાર થયો હોવાની પુષ્ટિ થઈ છે.
કોંગ્રેસ મહાસચિવે આરોપ લગાવ્યો હતો કે આ છે મધ્યપ્રદેશની કાયદો અને વ્યવસ્થા અને મહિલાઓની સુરક્ષા? તેમણે કહ્યું હતું કે જો છોકરીઓને રક્ષણ અને મદદ પણ ન મળી શકે તો લાડલી બહેનોના નામે ચૂંટણીની જાહેરાતો કરવાનો શું ફાયદો?
આ અગાઉ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ બુધવારે ઉજ્જૈન ઘટનાને લઈને મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પર નિશાન સાધ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં દીકરીઓ પર બળાત્કાર માટે માત્ર અપરાધી જ નહીં, પરંતુ રાજ્યની ભાજપ સરકાર પણ દોષિત છે.
મધ્યપ્રદેશના ઉજ્જૈન નોંધનીય છે કે શહેરમાં બળાત્કારનો ભોગ બનેલી 12 વર્ષની બાળકીનું બુધવારે ઈન્દોરની સરકારી હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેની હાલત સ્થિર છે . મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ બાળકીને ગંભીર હાલતમાં ઉજ્જૈનથી મંગળવારે ઈન્દોરની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી, જ્યાં ઓપરેશન બાદ તેની હાલત સ્થિર છે.