પક્ષના અધિવેશનમાં ગેરહાજર હોવા છતાં પ્રિયંકા ગાંધીને મળી શકે છે મોટી જવાબદારી?

નવી દિલ્હીઃ ગુજરાતમાં 8 અને 9મી એપ્રિલ એમ બે દિવસ કૉંગ્રેસનું અધિવેશન યોજાયું અને પક્ષના તમામ આલા નેતાઓએ બે દિવસ સુધી પક્ષને ફરી સત્તા પર આવતો જોવા વિચાર-વિમર્શ કર્યો. આ અધિવેશ પહેલા પણ એવી ચર્ચા ચાલી રહી હતી કે હવે પક્ષના મહાસચિવ અને કેરળના સાંસદ પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપવાના મૂડમાં પક્ષ છે અને તેની જાહેરાત અધિવેશનમાં થઈ શકે તેમ છે. જોકે અધિવેશનના બે દિવસ દરમિયાન પ્રિયંકા ગાંધી દેખાઈ નહીં. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખરગે સહિત ઘણા આલા દરજ્જાના નેતા હાજર રહ્યા, પણ પ્રિયંકા ગાંધી વિશે કોઈ સત્તાવાર માહિતી પક્ષે આપી નહીં. પ્રિયંકા વિદેશમાં હોવાથી અને તેનું આ શિડ્યુઅલ પહેલેથી નક્કી હોવાથી નહીં આવી શક્યાંનું કારણ આપ્યું હતું જે કોઈના ગળે ઉતરે તેમ ન હતું.
ભાજપે માર્યો ટોણો કહ્યું કે રાહુલ-પ્રિયંકા વચ્ચે
પક્ષના સૌથી મોટી કાર્યક્રમમાં જ પ્રિયંકા ગાંધીની ગેરહાજરી તમામને ખટકી ત્યારે ભાજપને ટીકા કરવાનો મોકો મળી ગયો હતો. પ્રિયંકાની ગેરહાજરી બાદ ભાજપે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી વચ્ચે મતભેદ છે. ગાંધી પરિવારમાં બધુ સમુસુતરું નથી તે સાબિત થઈ ગયું છે. રાહુલ ગાંધી બે દિવસ હાજર રહ્યા હતા અને છેલ્લા દિવસે તેમણે ભાસણ પણ આપ્યું હતું.
હજુયે પ્રિયંકાને મોટી જવાબદારી મળવાની ચર્ચા
કૉંગ્રેસ પક્ષ કેન્દ્રમાં અને મોટા ભાગના રાજ્યમાં સત્તાથી દૂર છે. દરેક ચૂંટણીઓમાં પક્ષે હારનો સામનો કરવો પડે છે. પક્ષને ફરી બેઠો કરવાની વાતો તો થાય છે, પરંતુ કેન્દ્રમાં અને રાજ્યમાં પક્ષની નેતાગીરી નબળી પડી ગઈ હોવાની ટીકા પણ થઈ રહી છે. તેવામાં પ્રિયંકાને જવાબદારી આપવાની વાત ચાલી રહી છે. કૉંગ્રેસે જિલ્લાધ્યક્ષોને વધારે સત્તા અને જવાબદારી આપવાની જાહેરાત કરી હતી. આ માટે આવતીકાલથી ગુજરાતમાં જિલ્લાધ્યક્ષોની વરણી શરૂ થશે. નવા અધ્યક્ષોની પસંદગીમાં ખરગે અને રાહુલ ગાંધી હાજર રહેશે તેમ પણ કહેવામાં આવે છે અને ચૂંટણી સમયે આ જિલ્લા અધ્યક્ષો ઉમેદવારની પસંદગીમાં પણ મહત્વનો ભાગ ભજવશે તેમ અધિવેશનમાં જાહેરાત કરવામાં આવી છે, જે કાર્યકરોને ગમી છે.
આ વિચાર પ્રિયંકા ગાંધીનો હોવાનું કહેવાય છે. પ્રિયંકા પક્ષમાં સક્રિયપણે ભાગ લઈ રહી છે અને હવે તેને ઉપાધ્યક્ષનું પદ આપવામાં આવે તેમ માનવામાં આવે છે. અધ્યક્ષ તરીકે ખરગે હોવા છતાં રાહુલ લીડ કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હવે પ્રિયંકા પણ જો ઉપાધ્યક્ષ બનશે તો ફરી કૉંગ્રેસ ગાંધી પરિવારના હાથમાં સત્તાવાર રીતે આવી જશે. જોકે કૉંગ્રેસમાં જ એક મોટો વર્ગ ગાંધી પરિવારના હાથમાં કૉંગ્રેસની કમાન ન આપતા અન્ય મજબૂત નેતાને પક્ષનો ચહેરો બનાવવાનો મત ધરાવે છે. હવે આગળ શું થાય તે જોવાનું રહ્યું.
આપણ વાંચો : Priyanka Gandhi રોબર્ટ વાડ્રાને પ્રથમ વખત મળ્યા ત્યારે કેટલા વર્ષના હતા? જાણો રોચક વાતો