નવી દિલ્હી: લોકસભામાં બંધારણ પર બે દિવસીય વિશેષ ચર્ચા આજે શનિવારે પૂર્ણ થઈ હતી. ચર્ચાના છેલ્લા દિવસે ગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ એક કલાક 50 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. તેમણે પોતાના ભાષણમાં બંધારણની 75 વર્ષની યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો અને આ દરમિયાન વડાપ્રધાને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાનના ભાષણ બાદ વાયનાડ સાંસદ પ્રિયંકા ગાંધીએ ટિપ્પણી કરી છે.
દેશની જનતા બહુ સમજદાર છે
બંધારણ પર ચર્ચા બાદ આ અંગે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નિવેદન આપ્યું છે. તેમણે X પર લખ્યું, “ભારતના બંધારણની સૌથી ખરાબ વાત એ છે કે તેમાં કઈ જ ભારતીય નથી. – વિનાયક દામોદર સાવરકર.” બંધારણના અમલના 75મા વર્ષ નિમિત્તે દેશ માટે એ જાણવું જરૂરી છે કે 1950માં અમલમાં આવતા જ તેને સ્વીકારવાને બદલે તેની “ખામીઓ” ગણનારા કોણ હતા? એ લોકો કોણ હતા જેઓ બંધારણને વિદેશી ગણાવી રહ્યા હતા? એ લોકો કોણ છે જેમણે છેલ્લા 75 વર્ષમાં આપણા બંધારણને વારંવાર નકારી કાઢ્યું છે અને ખોટો પ્રચાર કર્યો છે?
તેમણે આગળ કહ્યું કે, “બંધારણ બદલવા માટે સમીક્ષા પંચની રચના કરનારા લોકો કોણ છે? કોણ છે એ લોકો જેમણે કહ્યું કે 400 સીટો આપીશું તો બંધારણ બદલી નાખીશું? દેશની જનતા બહુ સમજદાર છે. તે જાણે છે કે બંધારણ અને દેશ માટે કોણે બલિદાન આપ્યું અને કોણ તેને બરબાદ કરવા માંગે છે.
આ દરમિયાન ચર્ચા પૂર્ણ થયા બાદ ગૃહની બહાર આવતા કોંગ્રેસના મહામંત્રી અને સાંસદ પ્રિયંકા ગાંધીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, “વડા પ્રધાને કંઈ નવું કહ્યું નથી, તેમના ભાષણથી ગૃહને કંટાળો આવી ગયો. તેમણે કહ્યું કે મને લાગતું હતું કે વડાપ્રધાન કંઈક નવું અને સારું કહેશે, પરંતુ તેમણે 11 પોકળ સંકલ્પો કર્યા. તેમણે રમૂજી અંદાજમાં કહ્યું હતું કે, મને દાયકાઓ પહેલાની મેથ્સની ક્લાસ યાદ અપાવી. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલરન્સ હોય તો ઓછામાં ઓછી એક વખત તો અદાણી પર ચર્ચા કરવી જોઈતી હતી.”