પ્રિયંકા ગાંધીના નિવેદન મુદ્દે ઈઝરાયલે આપ્યો જવાબ, અમે આતંકવાદીઓને માર્યાં છે…

નવી દિલ્હી: છેલ્લા 22 મહિનાથી ગાઝામાં સતત હુમલા કરીને ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિઝ (IDF) પેલેસ્ટિનિયન નાગરીકોનો નરસંહાર કરી રહી છે, ઇઝરાયલની નાકાબંધીને કારણે દવા અને ખોરાકના અભાવે લાખો લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે, ઇઝરાયલના અમાનવીય વલણની દુનિયાભરમાં ટીકા થઇ રહી છે.
યુએનમાં ભારત સરકારે તાત્કાલિક હુમલા અટકાવવા ઇઝરાયલને અપીલ કરી હતી. એવામાં કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ ગાઝાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા, ઇઝરાયલ પર ગંભીર આરોપ લગાવ્યા હતાં.

પ્રિયંકા ગાંધીએ X પરની એક પોસ્ટમાં લખ્યું, “ઇઝરાયલ નરસંહાર કરી રહ્યું છે. તેણે 18,430 બાળકો સહિત 60 હજારથી વધુ લોકોની હત્યા કરી છે. સેંકડો લોકોને ભૂખમરાથી મરવા માટે મજબૂર કર્યા છે. મૌન અને નિષ્ક્રિય રહીને આ ગુનાઓને પ્રોત્સાહન આપવું એ એક ગુનો જ છે. ઇઝરાયલ પેલેસ્ટાઇનના લોકો પર આ વિનાશ વેરી રહ્યું છે, ત્યારે ભારત સરકારનું મૌન શરમજનક છે.”

ઇઝરાયલનો જવાબ:
હામાસ સામેની કાર્યવાહીનું કારણ આગળ ધરીને ઇઝરાયલના સતત પોતાનો બચાવ કરી રહ્યું છે. એવામાં રાજદૂત રુવેન અઝારે પ્રિયંકા ગાંધીને જવાબ આપ્યો. રુવેન અઝારે કહ્યું, “તમારી ખોટી રજૂઆત શરમજનક છે.
ઇઝરાયલે 25,000 હમાસ આતંકવાદીઓને માર્યા છે. હમાસની ઘૃણાસ્પદ વ્યૂહરચનાઓને કારણે ગાઝામાં હજારો લોકોના મોત થયા છે. હમાસ આતંકવાદીઓ નાગરિક વિસ્તારમાં છુપાઈ રહ્યા છે.”
રુવેન અઝારે કહ્યું ઇઝરાયલે ગાઝામાં 20 લાખ ટન ખાદ્ય સામગ્રી મોકલી છે, પરંતુ હમાસે તેને જપ્ત કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે ભૂખમરાની સ્થિતિ પેદા થઇ છે.
આ પણ વાંચો…પેલેસ્ટાઇન બાદ હવે બાંગ્લાદેશી હિંદુઓને સમર્થન કરતી બેગ લઈને સંસદ પહોંચ્યા પ્રિયંકા ગાંધી